PANCHMAHALSHEHERA

શહેરા સરકારી વિનયન કોલેજ ‘આદર્શ મહાવિદ્યાલય’ તરીકે જાહેર: વિકાસ અર્થે રૂ. ૨ કરોડની ગ્રાન્ટ મંજૂર

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની શૈક્ષણિક ગુણવત્તાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા રાજ્યભરની ૧૩૯ સરકારી કોલેજોમાંથી શ્રેષ્ઠ ૨૫ કોલેજોની ‘આદર્શ મહાવિદ્યાલય’ તરીકે પસંદગી કરવામાં આવી છે, જેમાં શહેરા સરકારી વિનયન કોલેજે ગૌરવપૂર્ણ સ્થાન મેળવ્યું છે. કોલેજના સર્વાંગી વિકાસ અને તેને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાના હેતુથી સરકાર દ્વારા રૂ. ૨ કરોડની માતબર ગ્રાન્ટ પણ મંજૂર કરવામાં આવી છે.

આ ફાળવવામાં આવેલી ગ્રાન્ટની રકમનો ઉપયોગ કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક શૈક્ષણિક માળખું ઊભું કરવા માટે કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે ડિજિટલ લાઇબ્રેરી, સ્માર્ટ ક્લાસરૂમ, આધુનિક સેમિનાર હોલ, સાયન્સ અને કમ્પ્યુટર લેબોરેટરી તેમજ અન્ય શૈક્ષણિક સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે. આ નવીનતમ ટેકનોલોજી અને સુવિધાઓ ઉપલબ્ધ થતાં શહેરા શહેર સહિત આસપાસના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના અસંખ્ય વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં ખૂબ જ મોટો ફાયદો થશે.

કોલેજને આ પ્રતિષ્ઠિત સિદ્ધિ મળવા બદલ સમગ્ર શૈક્ષણિક આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોલેજના આચાર્ય ડૉ. જયશ્રીબેન જોષીએ આ ગૌરવપૂર્ણ સિદ્ધિ મેળવવા બદલ કોલેજના તમામ અધ્યાપકગણ, વહીવટી સ્ટાફ અને વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે આ સુવિધાઓ આગામી સમયમાં કોલેજને શિક્ષણ ક્ષેત્રે એક નવા શિખર પર લઈ જશે.

Back to top button
error: Content is protected !!