KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ મામલતદાર કચેરી પહેલા જ વરસાદે પાણીમાં ગરકાવ,દર વર્ષે પાણી ભરાતા લોકો ત્રસ્ત, તંત્ર ઘોર નિંદ્રામાં?

 

તારીખ ૦૧/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ચોમાસાની શરૂઆતમાં જ માત્ર થોડાક વરસાદે તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. કાલોલ તાલુકા કક્ષાની મહત્વની ગણાતી મામલતદાર કચેરી ખાતે આજ રોજ સવારે વરસેલા સામાન્ય વરસાદમાં જ વ્યાપક પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. કચેરીના મુખ્ય પ્રવેશદ્વારથી લઈને અંદર સુધી વરસાદી પાણી ભરાઈ જતાં પોતાના સરકારી કામકાજ માટે આવતા સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.મામલતદાર કચેરીના મુખ્ય ગેટ પર પાણી ભરાઈ જતાં વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા તરીકે કચેરીનો બીજો દરવાજો અર્ધ ખુલ્લો કરવામાં આવ્યો હતો. જોકે, તંત્રની ઘોર બેદરકારીને કારણે આ બીજા દરવાજા પાસે તંત્ર દ્વારા જપ્ત (કબજે) કરાયેલા વાહનો પાર્ક કરેલા પડ્યા હતા. જેના કારણે અરજદારો માટે ત્યાંથી પસાર થવું પણ અશક્ય બન્યું હતું. પરિણામે, કચેરીમાં આવતા વૃદ્ધો, મહિલાઓ અને નાગરિકોને ફરજિયાતપણે ગંદા પાણીમાંથી પસાર થઈને અંદર જવાની નોબત આવી હતી.નોંધનીય છે કે આ જ પરિસરમાં મામલતદાર કચેરી ઉપરાંત સબ રજીસ્ટ્રાર કચેરી,સીટી સર્વે ઓફિસ,તલાટી-કમ-મંત્રીની કચેરી, એટિવિટી સેન્ટર જેવા મહત્વના સરકારી વિભાગો આવેલા છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના દાખલાઓ, આવકના પ્રમાણપત્રો અને અન્ય દસ્તાવેજી કામગીરી માટે રોજબરોજ મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે. આજે પાણી ભરાઈ જવાના કારણે આ તમામ અરજદારો અને મુલાકાતીઓ કલાકો સુધી હેરાન-પરેશાન થયા હતા.સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મામલતદાર કચેરીમાં વરસાદી પાણી ભરાઈ જવાની આ સમસ્યા કોઈ નવી નથી. દર વર્ષે ચોમાસામાં અહીં આ જ પરિસ્થિતિ સર્જાય છે. તંત્ર દ્વારા ચોમાસા પહેલા લાખો રૂપિયાના ખર્ચે કરાતી પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહેતી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વારંવારની આ હાલાકીમાંથી મુક્તિ અપાવવા માટે વહીવટી તંત્ર આ ચોમાસે પાણીના નિકાલની કાયમી અને યોગ્ય વ્યવસ્થા કરે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

Back to top button
error: Content is protected !!