રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મલાવ ગામના પ્રગતિશીલ ખેડૂત ના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઈ ખેતરમાં હળ ચલાવી હળદરનું વાવેતર કર્યું.

તારીખ ૨૦/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કાલોલ તાલુકાના મલાવ ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. અહીં તેમણે જાતે ગાય દોહી હતી અને હળ ચલાવીને હળદરનું વાવેતર પણ કર્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલશ્રી જાતે ગાય દોહીને સાયકલ દ્વારા મલાવ દૂધ સહકારી મંડળીમાં દૂધ ભરાવવા પણ ગયા હતા. રાજ્યપાલશ્રીએ પ્રગતિશીલ ખેડૂત નરેશભાઈ પટેલના મોડલ ફાર્મમાં હળ ચલાવી હળદરનું વાવેતર કર્યું હતું. તદુપરાંત, પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લઈ, ત્યાં ઉગાવવામાં આવેલ વિવિધ પાકોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. પાકોની ગુણવત્તા જોઈ રાજ્યપાલશ્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ તકે રાજ્યપાલએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી નહિવત ખર્ચે ખૂબ સારું ઉત્પાદન મળે છે, જેનું આ ફાર્મ પ્રત્યક્ષ ઉદાહરણ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દર વર્ષે આપણે કરોડો રૂપિયા રાસાયણિક ખાતરરૂપી ઝેર ખરીદવામાં વિદેશોને આપીએ છીએ. તેના બદલે પ્રાકૃતિક ખેતી કરવાથી આપણા દેશનો પૈસો બહાર જતો અટકશે, તેમજ ઉત્પાદન વધતા ખેડૂત પણ સમૃદ્ધ થશે.આ ફાર્મની મુલાકાત વેળાએ જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય, જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત, આત્મા ડાયરેક્ટર તથા સરપંચ સહિત સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.











