HALOLPANCHMAHAL

હાલોલ:અભયમ ટીમની સમયસરની મધ્યસ્થતાથી તૂટતો પરિવાર બચ્યો,નશાખોર પતિનું કાઉન્સેલિંગ કરાયું

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૫.૬.૨૦૨૬

 

હાલોલ શહેરમાં રહેતા એક શ્રમિક પરિવારમાં ઊભા થયેલા ઘરકંકાસ અને વિવાદને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે ખૂબ જ સમજદારીપૂર્વક ઉકેલી આપ્યો છે. અભયમ ટીમના સમયસરના માર્ગદર્શન અને સચોટ કાઉન્સેલિંગના કારણે એક માસૂમ બાળકનું ભવિષ્ય રોળાતું અટક્યું છે અને એક પરિવાર તૂટતાં-તૂટતાં બચી ગયો છે.મૂળ અન્ય વિસ્તારના અને હાલ રોજગારી અર્થે હાલોલમાં સ્થાયી થયેલા એક પરિવારમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વિખવાદ ચાલી રહ્યો હતો. પરિણીતાએ ૧૮૧ અભયમ હેલ્પલાઇન પર ફોન કરીને ગંભીર આક્ષેપો સાથે મદદ માંગી હતી.મારા પતિ અવારનવાર નશો કરીને ઘરે આવે છે અને નાની-નાની બાબતોમાં ગાળાગાળી કરી માનસિક ત્રાસ આપે છે. સંતાન અને ઘરની બાબતોમાં ઝઘડો કરી ક્યારેક મારપીટ પણ કરે છે. આ ત્રાસથી કંટાળીને હું પિયર જતી રહી હતી, પરંતુ બાળકના ભવિષ્યની ચિંતા હોવાથી પરત આવી છું.

ઘટનાની ગંભીરતા જોઈને અભયમની ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી હતી અને બંને પક્ષોને સાંભળ્યા હતા. પૂછપરછ દરમિયાન પતિએ પોતાનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે, આ વિસ્તાર તેમના માટે નવો અને અજાણ્યો હોવાથી તે પત્નીની સુરક્ષાને લઈને ચિંતિત રહે છે.પત્ની આજુબાજુના ઘરોમાં જઈને બેસી રહેતી હોવાથી તે માત્ર સુરક્ષાના ભાગરૂપે રોકટોક કરતો હતો.બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અભયમ ટીમે કાયદાકીય અને પારિવારિક પાસાંઓને ધ્યાનમાં રાખીને સમજાવટ હાથ ધરી હતી.પત્ની સાથે હંમેશા સન્માનજનક વર્તન રાખવું, અપશબ્દો ન બોલવા, નશો છોડવો અને પરિવારમાં સહકાર આપવો તેવી સમજ આપી હતી.અભયમ ટીમના સઘન કાઉન્સેલિંગ બાદ બંને પક્ષોને પોતાની ભૂલ સમજાઈ હતી. પત્નીએ તેના પતિને સુધરવાની એક તક આપવાની તૈયારી દર્શાવી હતી, જ્યારે પતિએ પણ ભવિષ્યમાં આવું વર્તન ન કરવાની ખાતરી આપી હતી. અંતે બંને વચ્ચે સુખદ સમાધાન થતાં પરિવારે અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!