કાલોલની એન.એમ.જી. હોસ્પિટલમાં શ્રીનાથજીબાવા,ધન્વંતરિ ભગવાન અને સરસ્વતી માતાની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરાઈ.

તારીખ ૧૬/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરની જાણીતી એન.એમ.જી. હોસ્પિટલ ખાતે એક ભવ્ય અને ભક્તિમય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોસ્પિટલ પરિસરમાં વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપના કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, હોસ્પિટલના ડેન્ટલ વિભાગના પ્રવેશદ્વારે આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરિ અને વિદ્યાના દેવી માતા સરસ્વતીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ સાથે જ હોસ્પિટલ પરિસરમાં પૂ. પા. ગો. ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહારાજશ્રીના વરદહસ્તે શ્રીનાથજીબાવાની ભવ્ય સ્થાપના કરવામાં આવી હતી. મૂર્તિ સ્થાપના પૂર્વે કાલોલ નગરના ત્રણ મંડળની બહેનો દ્વારા ભક્તિભાવપૂર્વક પાઠનું આયોજન કરાયું હતું, ત્યારબાદ પૂજ્ય મહારાજશ્રી દ્વારા શ્રીનાથજીબાવાની સ્થાપના વિધિ સંપન્ન થઈ હતી.
આ મંગલમય પ્રસંગે પોતાના આશીર્વચન પાઠવતા પૂજ્ય મહારાજશ્રીએ જણાવ્યું હતું કે, “હોસ્પિટલ પણ એક મંદિર સમાન જ છે. હોસ્પિટલમાં આવતા પીડિત દર્દીઓને અહીં ભગવાનના દર્શન થાય અને તેમની કૃપાથી તેઓ ઝડપથી રોગમુક્ત થઈ સાજા-નરવા થાય તેવી ભાવના છે.” વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આ શ્રીનાથજીબાવા ઈચ્છાપૂર્તિ કરનારા છે, ભક્તો અહીં આવીને પોતાની મનોકામના પૂર્ણ કરી શકે છે. કાર્યક્રમ દરમિયાન પૂ. પા. ગો. ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહારાજે હોસ્પિટલના ટ્રસ્ટી પ્રકાશભાઈ ગાંધીની આ સુંદર અને સેવાકીય શુભ ભાવનાને બિરદાવી તેઓનું ખાસ સન્માન કર્યું હતું.આ ધાર્મિક મહોત્સવમાં હોસ્પિટલના ટ્રસ્ટી પ્રકાશભાઈ ગાંધી, હોસ્પિટલનો તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ, કાલોલ નગરના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈ-બહેનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.








