કાલોલમાં ગાજવીજ અને વિજળીના કડાકા ભડાકા અને ભારે પવનના સૂસવાટા સાથે અચાનક ધોધમાર વરસાદ, વિજ પુરવઠો ખોરવાતા શહેરીજનોની ઊંઘ ઉડી.

તારીખ ૧૯/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેરમાં આજે વહેલી સવારના ચાર વાગ્યાના અરસામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ગાજવીજ અને વિજળીના કડાકા ભડાકા અને ભારે પવનના સૂસવાટા સાથે અચાનક ધોધમાર વરસાદ તૂટી પડતા વિજ પુરવઠો ખોરવાતા શહેરીજનોની ઊંઘ ઉડી ગઈ હતી જ્યાં લગભગ અંદાજીત ત્રણ કલાક સુધી અનરાધાર વરસેલા વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. કાલોલ નગરપાલિકા વિસ્તારમાં,બસ સ્ટેશન રોડ, બસ સ્ટેન્ડ પાછળના ગધેડી ફળીયા,કોલેજ વિસ્તારની સોસાયટી, હાઉસિંગ સોસાયટી સહિત અનેક સોસાયટીઓ સહિતના વિસ્તારોનાં રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.અને સતત વિજળીના કડાકાભડાકા સાથે ગાજવીજથી સમગ્ર નગરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જોકે, ભારે વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી છે. જ્યાં વહેલી સવારથી જ શરૂ થયેલા વરસાદને કારણે ખેતીના પાકને પણ ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે સાથે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરવામાં આવે તેવી સ્થાનિક રહીશોએ માંગ કરી છે.








