HALOLPANCHMAHAL

હાલોલ: સિનિયર સિટીઝન દંપતી સામે પોસ્ટ વિભાગની કારમી હાર,જાતે કેસ લડી ગ્રાહક સુરક્ષા કોર્ટ અને સ્ટેટ કમિશનમાં મેળવી ઐતિહાસિક જીત

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૫.૫.૨૦૨૬

મધ્યમ વર્ગ માટે સૌથી સલામત ગણાતી પોસ્ટ ઓફિસના કેટલાક જિદ્દી અધિકારીઓની મનસ્વી નીતિઓ સામે હાલોલના એક વરિષ્ઠ નાગરિકે કાનૂની જંગ જીતીને “સત્યમેવ જયતે” સૂત્ર સાર્થક કર્યું છે. ૭૦ થી ૭૪ વર્ષની ઉંમરના આ દંપતીએ ત્રણ વર્ષની લાંબી લડત બાદ ગ્રાહક સુરક્ષા કોર્ટના આદેશથી પોતાની મૂળ મૂડી, વ્યાજ અને માનસિક ત્રાસના વળતર સહિતની પૂરેપૂરી રકમ વસૂલ કરી છે.હાલોલના અથાક લડવૈયા પ્રદીપભાઈ પરીખે તેમના અને પત્ની શોભનાબેનના નામે પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સ્કીમમાં ચાર ટુકડે કુલ ₹૩૦ લાખ રોક્યા હતા. સાત વર્ષ સુધી નિયમિત વ્યાજ ચૂકવાયા બાદ, આઠમા વર્ષે પોસ્ટ વિભાગના અધિકારીઓએ નિયમોનું અર્થઘટન કરતા જણાવ્યું કે, શોભનાબેનના નામે મૂકેલી પ્રથમ ₹૫ લાખની ડિપોઝિટ વખતે તેમની ઉંમર ૬૦ વર્ષ પૂરી નહોતી, તેથી તેઓ આ સ્કીમ માટે પાત્ર નહોતા.પોસ્ટ વિભાગે મનસ્વી વલણ અપનાવી સાત વર્ષ દરમિયાન ચૂકવાયેલું ₹૩,૧૦,૦૦૦નું વ્યાજ મુદ્દલમાંથી કાપી લીધું અને ખાતું ફરજિયાત બંધ કરાવી દીધું.જ્યારે બાકીના ૨૫ લાખના ત્રણ ટુકડા પરત કરી દીધા હતા.વકીલ વગર જાતે જ કરી કેસની પેરવી ખોટી રીતે થયેલી ₹૩.૧૦ લાખની કપાત સામે પ્રદીપભાઈએ ૪૦ થી ૫૦ ધક્કા ખાધા અને અનેક પત્રો લખ્યા, પણ ન્યાય ન મળતા આખરે તેમણે ગોધરા ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ (CC 33/2023) દાખલ કરી. પ્રદીપભાઈએ પત્ની શોભનાબેનનો પાવર ઓફ એટર્ની લઈને કોઈ વકીલ રોક્યા વિના, જાતે જ ફરિયાદનું ડ્રાફ્ટિંગ અને દલીલો કરી હતી. પરિણામે જૂન ૨૦૨૪માં ગ્રાહક ફોરમે શોભનાબેનની તરફેણમાં ચુકાદો આપ્યો.સ્ટેટ કમિશનમાં પણ પોસ્ટ વિભાગની હાર ગ્રાહક કોર્ટના ચુકાદાને સ્વીકારવાને બદલે પોસ્ટ વિભાગના અધિકારીઓએ અહમ વશ થઈને અમદાવાદ સ્ટેટ કમિશનમાં અપીલ (MA 609/2025) કરી હતી. પરંતુ ત્યાં પણ પ્રદીપભાઈએ જાતે જ ધારદાર આર્ગ્યુમેન્ટ્સ કરીને વિજય પ્રાપ્ત કર્યો હતો.અંતે અદાલતના કડક વલણ સામે નમવું પડતાં, ૨૭ એપ્રિલ ૨૦૨૬ના રોજ ગોધરા કોર્ટના ચુકાદા મુજબ પોસ્ટ વિભાગે પૂરેપૂરું મુદ્દલ, વ્યાજ અને માનસિક ત્રાસના વળતર સહિત કુલ ₹૬,૩૧,૭૦૨નો SBI ગોધરાનો ચેક દંપતીને સુપ્રત કરવો પડ્યો છે.એક વિચારવા જેવો સવાલ અને જનતાને અપીલ કે આ કેસના અંતે હવે આ ચૂકવાયેલી રકમ જે તે સમયના અધિકારી કે કર્મચારી પાસેથી ખાતાકીય વસૂલાત તરીકે લેવાશે. પરંતુ સવાલ એ થાય છે કે જ્યારે ડિપાર્ટમેન્ટે આટલા વર્ષો સુધી ડિપોઝિટના પૈસાનો ઉપયોગ કર્યો અને કમાણી કરી, તો પછી કર્મચારીઓ પાસેથી આટલી મોટી વસૂલાત શા માટે? રૂટિન દંડનીય કાર્યવાહી પૂરતી હોવી જોઈએ. આ કિસ્સો જાહેર જનતા માટે પણ એક પાઠ છે કે કોઈપણ જગ્યાએ પૈસા રોકતી વખતે નિયમોની પૂરતી જાણકારી મેળવવી અને એલર્ટ રહેવું અત્યંત જરૂરી છે.

Back to top button
error: Content is protected !!