ગોધરાના પીપળીયા ગામની ઇન્દિરા નગરીમાં નમી ગયેલ જોખમી વીજપોલ અને અનિયમિત વીજ પુરવઠાથી સ્થાનિકો ત્રાહિમામ
ફળિયામાં રહેતા લોકોએ આ સમસ્યાની તાત્કાલિક નિવારણ લાવવાની માંગ ઉઠી છે
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
ગોધરા તાલુકાના પીપળીયા ગામમાં આવેલ ઇન્દિરા નગરીના રહીશો છેલ્લા કેટલાક સમયથી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) ના કાંકણપુર સબ ડિવિઝન હેઠળના મોતાલ ફીડર સંબંધિત ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ભયજનક રીતે નમેલા વીજપોલ અને અનિયમિત વીજ પુરવઠાને કારણે સ્થાનિકોનું જીવન દયનીય બની ગયું છે અને આ બાબતે તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
વિસ્તારના રહેવાસીઓના જણાવ્યા અનુસાર, ઇન્દિરા નગરીમાં આશરે ચાર જેટલા વીજપોલ અત્યંત જોખમી રીતે નમી ગયેલા છે. આ નમેલા પોલ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે, જેના કારણે નજીકના રહેણાંક મકાનો પર પડીને જાનમાલને નુકસાન પહોંચાડવાની પ્રબળ સંભાવના છે. વધુમાં, પોલ પડવાથી વીજ વાયરો તૂટી પડતાં કરંટ લાગવાનો ગંભીર ભય પણ સેવાઈ રહ્યો છે, જે જીવલેણ નીવડી શકે છે. આ પરિસ્થિતિને કારણે લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
આ ઉપરાંત, અનિયમિત વીજ પુરવઠો પણ સ્થાનિકો માટે માથાનો દુઃખાવો બન્યો છે. વારંવાર વીજળી ડૂલ થઈ જવાથી, ખાસ કરીને ઉનાળાની કાળઝાળ ગરમીમાં, રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વિદ્યાર્થીઓના અભ્યાસ, ગૃહિણીઓના ઘરકામ તેમજ રોજિંદા કાર્યો પર તેની વિપરીત અસર પડી રહી છે. ચોમાસા પૂર્વે જો આ સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો સ્થિતિ વધુ વણસી શકે તેવી દહેશત પણ સ્થાનિકોએ વ્યક્ત કરી છે.
રહીશો દ્વારા આ અંગે કાંકણપુર MGVCL સબ ડિવિઝનના કાર્યપાલક ઇજનેરને લેખિત, મૌખિક તેમજ ટેલિફોનિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, આજ દિન સુધી કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી.
આથી, ઇન્દિરા નગરીના રહીશોએ MGVCL તંત્રને તાત્કાલિક ધોરણે નમેલા વીજપોલને સીધા કરવા અથવા બદલવાની, પ્રી-મોન્સુન કામગીરી હાથ ધરી વીજ પુરવઠો નિયમિત અને અવિરત સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.