કાલોલ શહેરમાં ફરી એકવાર મેઘમહેરઃ મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ,ખેડૂતોમાં ચિંતા
તારીખ ૨૩/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
હવામાન વિભાગની વાવાઝોડા સાથે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજા કહેર બનીને વરસ્યા જ્યાં ખેડૂતોનો પાક પલળી ગયો તો ક્યાંક પાક જમીનદોસ્ત થઇ ગયો હતો.
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી ભરઉનાળે છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અપર એર સાયલક્લોનિક સર્ક્યુલેશનને રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પચાસથી સીત્તેર કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ગતરોજ મોડી રાત્રે ગુરુવારે કાલોલ શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક ભારે પવન ફૂંકાવવાની સાથે વિજળી ગુલ થઇ ગઇ હતી અને ભારે પવન અને વરસાદને પગલે ખેતીનાં પાકને નુકસાન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે ત્યારે કાલોલ પંથકમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ વરસાદી માહોલ સર્જાયો છે. જ્યાં ગુરૂવારે મોડી રાત્રે સાડા દસ વાગ્યાના આજુબાજુ કાળા ડિબાંગ વાદળો સાથે અચાનક ભારે પવન સાથે મેઘરાજાનું આગમન થયું. વીજળીના કડાકા-ભડાકા સાથે છૂટાછવાયો વરસાદ નોંધાતા કાલોલ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે ઉકળાટ અને બફારા વચ્ચે આવેલા વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે રાજ્યના વિવિધ ભાગોમાં છૂટાછવાયા થી ભારે વરસાદની આગાહી કરી છે. સિઝનમાં બીજી વખત થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.