પાંચ મહિનાથી પગાર ન મળતાં કાલોલ તાલુકા પંચાયતના મનરેગા કર્મચારીઓએ ‘વર્ક ફ્રોમ હોમ’નું હથિયાર ઉગામ્યું.

તારીખ ૧૪/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ કાર્યરત કરાર આધારિત અને આઉટસોર્સિંગના કર્મચારીઓએ છેલ્લા પાંચ મહિનાથી પગાર ન મળતા તંત્ર સામે મોરચો માંડ્યો છે. વારંવારની રજૂઆતો અને જિલ્લા કક્ષાએથી મળેલી ખાતરીઓ પોકળ સાબિત થતા, કર્મચારીઓએ હવે ઓફિસ કામગીરીનો ત્યાગ કરી ‘વર્ક ફ્રોમ હોમ’ (ઘરેથી કામ) કરવાનો નિર્ણય લીધો છે.કર્મચારીઓએ તાલુકા વિકાસ અધિકારીને પાઠવેલા આવેદનપત્રમાં પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું છે કે:છેલ્લા પાંચ માસથી પગાર ન થવા છતાં કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા હતા. મોંઘવારીના જમાનામાં પગાર વગર ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. લગ્ન પ્રસંગો, બાળકોનો અભ્યાસ, મેડિકલ ખર્ચ અને લોનના હપ્તા ભરવામાં ભારે આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે.સમયસર પગાર ન મળતા દેવું વધી ગયું છે, જેના કારણે વ્યાજે નાણાં આપનારાઓ તરફથી માનસિક ત્રાસ વેઠવો પડી રહ્યો છે. કરાર આધારિત કર્મચારીઓને મળવાપાત્ર વાર્ષિક પગાર વધારો પણ લાંબા સમયથી ચૂકવવામાં આવ્યો નથી.કર્મચારીઓના જણાવ્યા અનુસાર, જિલ્લા કક્ષાએથી ગત ૧૦/૦૫/૨૦૨૬ સુધીમાં પગાર કરી દેવાનું વચન આપવામાં આવ્યું હતું, જે જૂઠું સાબિત થયું છે. આથી કંટાળીને કર્મચારીઓએ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી પૂરેપૂરો પગાર નહીં મળે, ત્યાં સુધી તેઓ ઓફિસ કે ફિલ્ડમાં જવાને બદલે ઘરે રહીને જ કામગીરી કરશે.આ બાબતે ગાંધીનગર ખાતે ગ્રામ વિકાસ કમિશનર, અધિક કમિશનર (MGNREGA) તેમજ પંચમહાલ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓને નકલ રવાના કરી તાકીદે પગાર કરાવવા ભલામણ કરવામાં આવી છે.








