20 વર્ષે બનેલા નવા રોડ પર ગેરેજધારકોનું કબ્જો,આડેધડ વાહન પાર્કિંગથી સ્થાનિકો પરેશાન,સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૨.૭.૨૦૨૬
હાલોલ શહેરના વડોદરા રોડથી જૈન મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી અસહ્ય વાહન ખડકલા અને દબાણના કારણે રાહદારીઓ તથા વાહનચાલકો ત્રાહિમામ પુકારી ઊઠ્યા છે. સ્થાનિક ગેરેજ સંચાલકો દ્વારા રોડ પર જ વાહનો પાર્ક કરીને રિપેરિંગ કામ કરવામાં આવતું હોવાથી આખો રસ્તો બંધ જેવો થઈ જાય છે, જેના લીધે અકસ્માતનો ભય પણ સતત તોળાતો રહે છે.સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં આશરે 20 વર્ષના લાંબા અંતરાલ બાદ માંડ માંડ નવો પાકો રોડ બનાવવામાં આવ્યો હતો. રહીશોને આશા હતી કે નવો રોડ બનતા અવરજવરમાં રાહત મળશે. પરંતુ, રોડ બનતાની સાથે જ સ્થાનિક ગેરેજવાળાઓએ રોડ પર જ પોતાના અડ્ડા જમાવી દીધા છે. પોતાના ધંધા-રોજગાર માટે રસ્તા વચ્ચે જ આડેધડ વાહનો મૂકીને રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે છે, જેના કારણે કરોડોના ખર્ચે બનેલો રસ્તો વાહનચાલકો માટે માથાનો દુખાવો બની ગયો છે.આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક રહીશો અને વાહનચાલકો દ્વારા નગરપાલિકા તંત્રમાં વારંવાર મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. છતાં પણ પાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા આ અંગે કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. પાલિકાની આ નિષ્ક્રિયતા અને ઘોર બેદરકારીના કારણે સ્થાનિકોમાં નગરપાલિકા તંત્ર સામે ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.પાલિકા તંત્ર વહેલી તકે આ રોડ પરથી ગેરેજના દબાણો દૂર કરાવે અને આડેધડ પાર્ક થતા વાહનો સામે કડક કાર્યવાહી કરે, જેથી રહીશો અને જૈન મંદિરે જતા દર્શનાર્થીઓને સુગમ રસ્તો મળી રહે.










