પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉજડા ગામનું ગૌરવ
સરદાર પટેલ યુનિવર્સિટીના, સમાજશાસ્ત્ર વિભાગમાં પીએચ. ડી. કરતાં વિદ્યાર્થી શ્રી દિપક વી. પરમારને “બેસ્ટ રિસર્ચ પેપર એવોર્ડ” એનાયત
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
બદલાવ નેશનલ એનજીઓ દ્વારા તા.૧૯-૨૦ /૦૯/ ૨૦૨૪ ના રોજ ઉદયપુર મુકામે “ગ્રામીણ વિકાસમાં એનજીઓની ભૂમિકા” વિષય પર બે દિવસીય નેશનલ કોન્ફરન્સનું આયોજન થયું હતું. તેનો પ્રારંભ ભારતના જાણીતા સમાજસેવક ડૉ. ઓંકાર સિંહ દ્વારા વર્તમાન સમયમાં એનજીઓની ભૂમિકા વિશે વ્યાખ્યાન આપીને કર્યો હતો. તેમાં ભારતમાંથી અનેક યુવા સંશોધકો, પ્રોફેસરો, એનજીઓના કાર્યકરો, અને સમાજ સેવકો સહભાગી થયા હતા.
આ એનજીઓ દર વર્ષે જુદા જુદા વિભાગોમાં પીએચ. ડી. કરતાં વિદ્યાર્થીઓને અલગ અલગ એવોર્ડ એનાયત કરે છે. આ એવોર્ડની પસંદગી માટે અમુક માપદંડો હોય છે. દિપક પરમારે નેશનલ કોન્ફરન્સમાં “ભારતની વિકાસ પ્રકિયામાં એનજીઓની ભૂમિકા” પર પોતાનું શોધ પત્ર રજૂ કર્યું હતું.
આ કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના, સમાજશાસ્ત્ર વિભાગમાં પીએચ. ડી. કરતાં વિદ્યાર્થી અને પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉજડા ગામના વતની શ્રી દિપકભાઈને વર્ષ ૨૦૨૪નો “બેસ્ટ રિસર્ચ પેપર એવોર્ડ” બદલાવ નેશનલ એજીઓના પ્રમુખ ડૉ. રામ આર્ય સાહેબ અને સેક્રેટરી શ્રી ડૉ. શ્રદ્ધા તિવારીના હસ્તે એનાયત થયો હતો. તેમની આ સિદ્ધિ યુવાનો માટે પ્રેરણાદાયક ગણાવી શકાય.
તેમના ૦૮ શોધ લેખો પ્રકાશિત થયેલ છે. તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેમિનારમાં ૨૫ જેટલા સંશોધન પત્રો રજૂ કરેલ છે. જે તેમની શિક્ષણ પ્રત્યેની અભિરુચિ દર્શાવે છે. તેમજ તેમણે 5 વર્કશોપ પણ પૂર્ણ કરેલ છે. તેમજ યુવાનો અને મહિલાઓની સમસ્યાઓ અને યુવાવિકાસ જેવા અનેક પ્રકારના કાર્યો સાથે સતત સંકળાયેલા રહે છે. શ્રી દિપક પરમારે ખરેખર સરદાર પટેલ યુનિવર્સિટીનું તેમજ સમાજશાસ્ત્ર વિભાગનું ગુજરાત સ્તરે ગૌરવ વધાર્યુ છે તે બદલ તેમના સૌ મિત્રો તેમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે.