KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલની શરમજનક તસવીર: સરકારી કચેરીઓથી માત્ર થોડા જ ડગલાં દૂર નરકાગાર જેવી સ્થિતિ,નગરમાં આરોગ્યનું જોખમ.!

 

તારીખ ૦૭ /૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાયદો-વ્યવસ્થા અને વહીવટી તંત્રના પ્રતીક સમાન ગણાતી સરકારી કચેરીઓની સામે જ જો ગંદકીના ગંજ ખડકાયેલા હોય, તો સમગ્ર શહેરની સ્વચ્છતાની સ્થિતિ કેવી હશે? કાલોલ નગરમાં અત્યારે બિલકુલ આવું જ આઘાતજનક અને શરમજનક દ્રશ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં તંત્ર સામે પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે.

મળતી માહિતી મુજબ, કાલોલ પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીની બિલકુલ સામેના ભાગમાં છેલ્લા ઘણા સમયથી ગંદકીના મોટા ઢગલા જામ્યા છે. મટન અને ચિકનની દુકાન ધરાવતા કેટલાક બેજવાબદાર તત્વો દ્વારા અહીં કતલ કરેલા જાનવરોના અંગો, હાડકા, મરઘીના પીંછા તેમજ માછલીના અવશેષો અને ગંધ મારતો કચરો પ્લાસ્ટિકની થેલીઓમાં ભરીને જાહેરમાં ફેંકી દેવામાં આવે છે.સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ જગ્યાથી માત્ર થોડા જ ડગલાં દૂર પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરી આવેલી હોવા છતાં જવાબદારો સામે કોઈ જ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી નથી. પરિણામે, રખડતા કૂતરા અને અન્ય જાનવરો આ કચરાને ઢસડીને મુખ્ય માર્ગ પર ફેલાવી દે છે. આના કારણે સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ પ્રસરી ગઈ છે અને સ્થાનિક સ્તરે રોગચાળો ફેલાવવાનું જોખમ ચરમસીમાએ પહોંચ્યું છે.સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલા કાલોલ પોલીસ સ્ટેશનમાં જ યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં આ ગંભીર મુદ્દો ગાજ્યો હતો. બેઠકમાં હાજર શહેરના બુદ્ધિજીવી નાગરિકો દ્વારા કાલોલના પીઆઈ આર.ડી. ભરવાડ અને કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા સમક્ષ રૂબરૂમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જોકે, આ રજૂઆતને લાંબો સમય વીતી ગયો હોવા છતાં આજદિન સુધી આ ગંદકી દૂર કરવા કે જવાબદારોને પાઠ ભણાવવા માટે કોઈ જ નક્કર પગલાં લેવાયા નથી, જે તંત્રની ઉદાસીનતા છતી કરે છે. જ્યાં સરકારી કચેરીઓની સામે જ જો આવી નરકાગાર સ્થિતિ હોય, તો બાકીના શહેરની હાલતની કલ્પના જ ધ્રુજાવી દે તેવી છે. દરરોજ સેંકડો અરજદારો અને વાહનચાલકો માટે અહીંથી પસાર થવું અસહ્ય બની ગયું છે. ત્યારે જનતામાં કેટલાક વેધક સવાલો ઉઠી રહ્યા છે: ત્યારે નગરપાલિકા દ્વારા મટન-ચિકનની દુકાન ધરાવતા વેપારીઓ પાસે કચરાના નિકાલની યોગ્ય વૈજ્ઞાનિક વ્યવસ્થા છે કે કેમ, તેની કોઈ તપાસ ક્યારેય કરવામાં આવે છે ખરી? જો દુકાનદારો આમતેમ કચરો ફેંકીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા રહેશે, તો તેમના પર ક્યારે કાયદાકીય સકંજો કસાશે? જ્યાં સ્થાનિક રહીશોની માંગ છે કે નગરપાલિકા અને વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે આ ગંદકીના ઢગલા દૂર કરાવી ત્યાં સફાઈ કરાવે, કચરાપેટી (ડસ્ટબીન) મુકવાની વ્યવસ્થા કરે અને જાહેરમાં કચરો ફેંકતા તત્વો સામે સીસીટીવી કેમેરા કે અન્ય માધ્યમોથી વોચ રાખીને કડક દંડાત્મક કાર્યવાહી કરે. હવે જોવાનું એ રહે છે કે ઊંઘતું વહીવટી તંત્ર અને નગરપાલિકા આ શરમજનક સ્થિતિમાંથી ક્યારે જાગશે?

Back to top button
error: Content is protected !!