કાલોલ પોલીસની કડક કાર્યવાહી: નશામાં ગાડી ચલાવતા ભાજપના પૂર્વ પદાધિકારી અને સાથીને લોકઅપ ભેગા કર્યા.

તારીખ ૦૭/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે પ્રોહિબિશન એક્ટ અને મોટર વ્હીકલ એક્ટના કાયદા હેઠળ મોટી કાર્યવાહી કરી છે. સાગાના મુવાડાથી સાતમણા તરફ જવાના રોડ પર રવિવારે સાંજે આશરે 07:15 વાગ્યે દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવતા અને જાહેરમાં લથડિયા ખાતા બે ઇસમોને કાલોલ પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા.
પકડાયેલા આરોપીઓમાં કાલોલ શહેર ભાજપ સંગઠનના માજી મહામંત્રી હર્ષ ચેતનભાઈ કાછીયા (ઉંમર વર્ષ 35, રહે. નવાપુરા, કાલોલ) અને વિરેન્દ્રસિંહ વિજયસિંહ ખેર (ઉંમર વર્ષ 55, રહે. ઓમકારેશ્વર સોસાયટી, કાલોલ) જેઓ વ્યવસાએ સરકારી દુકાનદાર/ખેતી સાથે સંકળાયેલા છે, તેમનો સમાવેશ થાય છે.
કાલોલ પોલીસ મથકના પીએસઆઇ એસ આર મકવાણા તેમજ સ્ટાફ સહિતનો કાફલો જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે એક વાદળી રંગની એક્ટિવા મોટરસાયકલ (નંબર: GJ-17-BD-6164) રોડ પર વાંકીચૂકી અને રેલાતી આવતી જણાઈ હતી. પોલીસે ગાડી રોકીને તપાસ કરતા ચાલક હર્ષ કાછીયા અને પાછળ બેઠેલા વીરેન્દ્રસિંહ ખેર બંને દારૂ પીધેલી હાલતમાં હોવાનું માલૂમ પડ્યું હતું.ગાડી ચલાવી રહેલા હર્ષ ચેતનભાઈ કાછીયા પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હતું અને તે દારૂના નશામાં તોતડાતી જીભે વાત કરતો હતો. પોલીસે તેની સામે મોટર વાહન અધિનિયમની કલમ 185, 3, 181 અને પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(b) હેઠળ ગુનો નોંધી રૂ. 25,000/- ની એક્ટિવા ગાડી કબજે લીધી છે.મોટરસાયકલ પાછળ બેઠેલા વીરેન્દ્રસિંહ ખેર પ્રોહિબિશન પ્રતિબંધિત વિસ્તારમાં વગર પાસ-પરમિટ દારૂ પીધેલી હાલતમાં જાહેરમાં લથડિયા ખાતા અને બકવાટ કરતા મળી આવતા પોલીસે તેમની સામે ગુજરાત પ્રોહિબિશન સુધારા અધિનિયમ 2016ની કલમ 85 અને 66(1)(b) હેઠળ અલાયદો ગુનો દાખલ કર્યો છે.હર્ષ કાછીયા ભાજપ સંગઠનના માજી હોદ્દેદાર હોવાના કારણે અને વિરેન્દ્ર ખેર સ્થાનિક હોવાથી તેમજ ટોચના નેતાઓ ના સગા થતા હોય આ ઘટનાની જાણ થતાં જ કાલોલ પોલીસ સ્ટેશનમાં સ્થાનિક નેતાઓ અને કાર્યકરોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. રાજકીય વગ ધરાવતા નેતાઓએ બંને આરોપીઓને છોડાવવા માટે પોલીસ પર ભારે દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસે કોઈપણ પ્રકારના રાજકીય દબાણ વશ થયા વિના પ્રોહી એક્ટ હેઠળ કાયદેસરની પ્રક્રિયા હાથ ધરીને બંને આરોપીઓની વિધિવત ધરપકડ કરી લોકઅપના સળિયા પાછળ ધકેલી દીધા હતા.






