HALOLPANCHMAHAL

હાલોલની પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્ય કૃષિ મંત્રી રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૫.૬.૨૦૨૬

જિલ્લા વહીવટી તંત્ર તથા ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી-હાલોલના સંયુક્ત ઉપક્રમે આજે ‘ખેતી બચાઓ અભિયાન’ તથા આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ-૨૦૨૬ અંતર્ગત ‘વિશ્વ પર્યાવરણ દિન અને પ્રાકૃતિક કૃષિ નિદર્શન પરિસંવાદ’નું ભવ્ય આયોજન યુનિવર્સિટી ભવન ખાતે રાજ્ય કૃષિ મંત્રી રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને સરકારનો અભિગમ દર્શાવતા રાજ્ય કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકાર ખેડૂતોને સમૃદ્ધ અને પગભર બનાવવા માટે સતત ચિંતિત છે. ખેતીને આપણી માતા સમાન ગણાવીને મંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતો રાસાયણિક ખાતરોથી મુક્ત અને કુદરત સાથે જોડાયેલી પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે સરકાર અને વહીવટી તંત્ર દ્વારા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. રાજ્યના કલેક્ટરો અને સંબંધિત અધિકારીઓ દ્વારા પણ આ અંગે જરૂરી સૂચનાઓ આપીને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, હાલોલ ખાતે આવેલી પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને પ્રકૃતિના સમન્વય સાથે ખેડૂતો અને યુવાનોને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ થકી યુવાનો પોતાના ગામ અને તાલુકા સ્તરે જઈને અન્ય ખેડૂત મિત્રોને જાગૃત કરશે અને એક નવું જાગૃતિ અભિયાન ચલાવશે, જેથી ખેડૂતો આધુનિક અને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત થશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

યુનિવર્સિટીના ખેતરોમાં થતી વિવિધ પ્રકારની ખેતીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને મંત્રીએ પોતાના અનુભવ વિશે વાત કરતા જણાવ્યું કે, રાસાયણિક ખાતર વગર પકવેલા કાચા ભીંડાનો સ્વાદ પણ અદભુત અને મીઠાશવાળો હોય છે, જે આ ખેતીની વિશેષતા દર્શાવે છે.આ પ્રસંગે ઉપસ્થિત હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારે પ્રાસંગિક ઉદ્બોધન આપતાં પર્યાવરણ અને પ્રાકૃતિક ખેતીના સમન્વય પર ભાર મૂક્યો હતો.કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા કક્ષાના “સ્વચ્છતા અભિયાન”નો વિધિવત લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંત્રી તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે યુનિવર્સિટી કોલેજની નવનિર્મિત કમ્પ્યુટર લેબ અને લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, તેમજ તમામ સદસ્યોએ યુનિવર્સિટીના સંશોધન ફાર્મ અને નિદર્શન પ્લોટ્સની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતીના પ્રયોગોનું નિરીક્ષણ કર્યું હતું.આ પ્રસંગે ‘આનંદી’ સંસ્થાની બહેનો દ્વારા “મારી માટીને ઝેર નથી આપવું” વિષય પર પ્રકૃતિ વંદનાનું સુંદર ગીત રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ‘મિશન લાઈફ’નો લોગો અને ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનાર ખેડૂતોનું તથા મિશન લાઈફ કેમ્પેઇન’ અંતર્ગત યોજાયેલી ડિબેટ સ્પર્ધાના વિજેતા વિધાર્થીઓનું મહાનુભાવોના વરદહસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.તદુપરાંત, મિશન લાઇફ અંતર્ગત ઉપસ્થિત સૌએ શપથ લીધા હતા.આ અવસરે મહાનુભાવોના હસ્તે “પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો, બાયો-ઇનપુટ્સની બનાવટ, ઉપયોગ અને પોષક તત્વોનું વ્યવસ્થાપન” વિષયક માહિતીસભર ફોલ્ડરનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.યુનિવર્સિટીના કુલપતિ સી. કે. ટીંબડીયાએ ઉપસ્થિત સૌ મહાનુભાવો અને ખેડૂતોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના અંતે જિલ્લા કલેક્ટર અજય દહિયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ, તાલુકા પંચાયત તથા હાલોલ નગરપાલિકાના પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય, નાયબ વન સંરક્ષક વી. આર. ડામોર, પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ,યુનિવર્સિટીના અધિકારીઓ તથા સ્ટાફગણ, સંસ્થાના પ્રતિનિધિઓ, સંગઠનના અગ્રણીઓ તથા સભ્યો અને પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!