વર્ષોની માંગણી પૂર્ણ: વેજલપુર ચોકડીથી સીમલીયા ચોકડી સુધીનો બિસ્માર રોડનું નિર્માણ શરૂ, 12 ગામોના 5 લાખ લોકોને રાહત.

તારીખ ૦૪/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ અને ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા વેજલપુર ચોકડીથી સીમલીયા ચોકડી (વાયા ચલાલી-કરોલી) સુધીના ૧૫ કિલોમીટર લાંબા માર્ગની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. અંદાજે રૂ. ૩૫ કરોડના ખર્ચે બની રહેલા આ અદ્યતન રોડને કારણે આ પંથકના ગ્રામજનો અને વાહનચાલકોમાં ભારે આનંદ અને રાહતની લાગણી વ્યાપી ગઈ છે.પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવના માદરે વતન વિસ્તાર ગણાતા વેજલપુરથી ચલાલી-કરોલી સુધીનો રોડ છેલ્લા ઘણા વર્ષોથી અત્યંત બિસ્માર હાલતમાં હતો. જેને પગલે સ્થાનિક સાંસદ અને ધારાસભ્યના સંયુક્ત પ્રયાસોથી આ માર્ગને નવી મંજૂરી અપાવવામાં આવી હતી. ગત જાન્યુઆરી મહિનામાં સાંસદ અને ધારાસભ્યના હસ્તે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અગાઉ આ માર્ગ વેજલપુર ચોકડીથી ચલાલી અને ત્યાંથી સીમલીયા ચોકડી એમ બે ભાગમાં વહેંચાયેલો હતો અને તેની પહોળાઈ પણ ખૂબ ઓછી (સિંગલ લેન) હતી.હવે સ્ટેટ વિભાગ દ્વારા આ સમગ્ર માર્ગનું નવું સીમાંકન કરીને તેને સાડા સાત મીટર જેટલો પહોળો કરવામાં આવી રહ્યો છે.નવા બની રહેલા આ ડબલ લેન સમકક્ષ માર્ગ પર મેટલિંગ, લેવલિંગ અને લાઈન કાર્પેટ (ડામર રોડ) જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાશે, જેથી વાહન વ્યવહાર વધુ ઝડપી અને સુરક્ષિત બનશે.પાછલા અનેક વર્ષોથી ખરાબ રસ્તાને કારણે વેજલપુર, રીંછીયા, ચલાલી, વાંટા, પાણીયા, મીરાંપુરી, કરોલી, સુલતાનપુરા અને સીમલીયા સહિતના ૧૦ થી ૧૨ ગામોના લોકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. પરંતુ હવે મજબૂત અને સુવિધાજનક માર્ગનું નિર્માણ થઈ રહ્યું હોવાથી બંને તાલુકાની અંદાજે ૫ લાખ જેટલી વસ્તીને વાહન વ્યવહારમાં સીધી સરળતા રહેશે. રસ્તાનું કામ ઝડપથી ચાલતું જોઈ સ્થાનિક ગ્રામજનો પ્રશાસન અને લોકપ્રતિનિધિઓનો આભાર માની રહ્યા છે.








