GUJARAT

MORBI:મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલન પાર્ટ-2 શરૂ: વળતર મુદ્દે અન્નદાતા હવે ‘આમરણાંત ઉપવાસ’ પર

MORBI:મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલન પાર્ટ-2 શરૂ: વળતર મુદ્દે અન્નદાતા હવે ‘આમરણાંત ઉપવાસ’ પર

મોરબીના જેતપર ગામે વીજલાઈનના યોગ્ય વળતર અને પોતાના હકો માટે છેલ્લા ૧૨ દિવસથી પ્રતીક ઉપવાસ પર બેઠેલા ખેડૂતોનું આંદોલન હવે વધુ ઉગ્ર બન્યું છે. પ્રતીક ઉપવાસના ૧૩મા દિવસે, એટલે કે ગુરુવારથી ખેડૂતોએ ‘આંદોલન પાર્ટ-૨’ ના મંડાણ કર્યા છે. આ અંતર્ગત પાંચ ખેડૂતોએ અન્નનો સંપૂર્ણ ત્યાગ કરી આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. જ્યાં સુધી કંપનીની મનમાની બંધ નહીં થાય ત્યાં સુધી આ લડત ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

આજે સવારે મોટી સંખ્યામાં ખેડૂતો અને સાધુ-સંતોની હાજરીમાં આ ઉગ્ર આંદોલનની શરૂઆત થઈ હતી. તમામ ખેડૂતોએ સૌપ્રથમ ગામના રામજી મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ આમરણાંત ઉપવાસના શ્રીગણેશ કર્યા હતા. ઉપવાસ પર ઉતરેલા ખેડૂતો અન્ન કે અન્ય કોઈ પ્રવાહી લીધા વિના માત્ર પાણી ગ્રહણ કરશે.

આમરણાંત ઉપવાસ પર ઉતરેલા આગેવાનો: કૈલાશગીરી ગુરૂ મહાદેવગીરી ,રતિલાલ શિવાલાલ અમૃતિયા ,નેહુલ ધીરજલાલ અમૃતિયા ,ભાડજા રામજીભાઈ નાનજીભાઈ,નિલેશભાઈ એરવાડિયા

ભૂખ હડતાળ પર ઉતરેલા અન્નદાતાઓએ સરકાર અને કંપની સામે મુખ્ય ત્રણ માંગણીઓ રજૂ કરી છે: સંપૂર્ણ નુકશાન વળતર: વર્ષ ૧૮૮૫ના ટેલિગ્રાફ એક્ટની કલમ ૧૦(ડી) મુજબ ખેડૂતોને સંપૂર્ણ નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે. એડવાન્સ ચૂકવણી: કેન્દ્ર સરકારની વર્ષ ૨૦૨૪ની ગાઈડલાઈનના પોઈન્ટ નંબર ૯ મુજબ વળતરની રકમ એક જ હપ્તામાં એડવાન્સમાં ચૂકવવી. પોલીસ બળજબરી પર રોક: ઉપરોક્ત બંને મુદ્દાઓનું યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી ખેડૂતોના ખેતરોમાં પોલીસ પ્રોટેક્શન સાથે કરવામાં આવતી બળજબરી તાત્કાલિક બંધ કરવામાં આવે.

“રાજકીય પક્ષોને નો એન્ટ્રી”: આંદોલન સંપૂર્ણપણે બિનરાજકીય – જેતપર ખાતે શરૂ થયેલું ખેડૂત આંદોલન પાર્ટ-૨ સંપૂર્ણપણે બિનરાજકીય રાખવામાં આવ્યું છે. ખેડૂત નેતા નેહુલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, “રાજકીય આગેવાનોની એન્ટ્રી થવાથી ખેડૂતો ગેરમાર્ગે દોરાય છે અને સંગઠન તૂટે છે. આથી કોઈપણ રાજકીય પાર્ટીમાં હોદ્દો ધરાવતા લોકોને ઉપવાસી છાવણીમાં પ્રવેશવાની મનાઈ છે.” અગાઉ ગાંધીનગર ખાતે ટ્રેક્ટર રેલી દરમિયાન માહોલ બગડ્યો હોવાથી ખેડૂતોએ આ વખતે આકરો નિર્ણય લીધો છે.

હળવદ ટ્રાન્સમિશન લાઈન હેઠળ કચ્છના ખાવડાથી હળવદના સાપકડા સ્વીચ સેન્ટર સુધી હેવી વીજલાઈન પસાર થઈ રહી છે. જેમાં જેતપર ગામના ૨૦ ખેતરોમાં થાંભલા નાખવામાં આવી રહ્યા છે અને ૧૦૦ જેટલા ખેતરોમાંથી લાઈન પસાર થવાની છે. હાલમાં આઠ જેટલા ખેતરોમાં પોલીસ પ્રોટેક્શન સાથે ખાડા ખોદી નાખવામાં આવ્યા છે. ચોમાસાની સીઝન માથે હોવા છતાં, કંપની સાથેનો સંઘર્ષ ટાળવા ખેડૂતોએ પોતાના જ ખેતરે જવાનું બંધ કરી દીધું છે.

હળવદ ટ્રાન્સમિશન પ્રોજેક્ટના કારણે જેતપરના આશરે ૧૨૦ ખેડૂતો અસરગ્રસ્ત થતાં વિવાદ ચરમસીમાએ છે. આ વિવાદ હજુ વણઉકલ્યો છે ત્યાં જ ખેડૂતો પર વધુ એક આઘાત પ્રહાર થયો છે. કચ્છ-નાગપુર વચ્ચે નંખાનારી નવી ૮૦૦ કેવી (KV) વીજલાઈન માટે જેતપરના વધુ ૧૮ ખેડૂતોને નોટિસ ફટકારવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!