MORBI:મોરબીમાં ૧૫ ઓગસ્ટે હર્ષ ઉલ્લાસથી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે; કલેક્ટરના વરદ હસ્તે કરાશે ધ્વજ વંદન

MORBI:મોરબીમાં ૧૫ ઓગસ્ટે હર્ષ ઉલ્લાસથી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે; કલેક્ટરના વરદ હસ્તે કરાશે ધ્વજ વંદન
જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લા વાસીઓને વહીવટી તંત્રનું આમંત્રણ
૨૫૦ પોલીસ જવાનો કરશે ફલેગ માર્ચ: ૩૦૦ બાળકો દ્વારા દેશભકિતની કૃતિઓ રજૂ કરાશે: સ્વાતંત્ર સેનાની અને વ્યક્તિ વિશેષનું સન્માન થશે
૧૫ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ ૭૮ માં સ્વાતંત્ર્ય દિવસની સમગ્ર ભારત દેશમાં હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરવા માટે વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ મોરબી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આગામી ૧૫ ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં ૨૫૦ થી વધારે પોલીસ જવાનો દ્વારા ફલેગ માર્ચ કરવામા આવશે તેમજ જુદી જુદી સ્કુલના ૩૦૦ થી વધારે બાળકો દ્વારા દેશભકિતને અનુરૂપ કૃતિઓ રજૂ કરવામાં આવશે. ઉપરાંત કાર્યક્રમમાં જિલ્લાના વ્યકિત વિશેષશ્રીઓનું સન્માન પણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના વરદ હસ્તે સવારે ૯:૦૦ થી ૦૯:૦૨ કલાકે ધ્વજવંદન કરવામા આવશે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના સાંસદશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓ પ્રેરક ઉપસ્થિતિ રહેવાના છે. ઉપરાંત મોરબી શહેરની તમામ સરકારી કચેરીના અધિકારીશ્રીઓ / કર્મચારીશ્રીઓ જુદી જુદી સ્કુલના બાળકો જિલ્લાની વિવિધ સંસ્થાના પ્રમુખશ્રીઓ મંડળો / એન.જી.ઓ, જિલ્લાના વરિષ્ઠ નાગરીકો હાજર રહેવાના છે. મોરબી શહેરના નાગરીકોએ જેમ તિરંગા યાત્રામાં સ્વયંભુ ઉપસ્થિત રહી જિલ્લાની તિરંગા યાત્રાનું ગૌરવ વધાર્યું છે, તેવી જ રીતે ૧૫ ઓગસ્ટ રોજ ૭૮ મા સ્વાતંત્ર્ય દિવસના જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમા સૌ નગરજનોને ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામા આવ્યું છે.










