CHOTILAGUJARATMULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા પ્રાંત અધિકારીની બદલી અટકાવવા ચોટીલાના નાગરિકોનું રાજ્ય સરકારને આવેદન

તા.17/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણાની મહીસાગર ખાતે બદલી કરવામાં આવતા જ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, મુળી, સાયલા અને ચોટીલા પંથકમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. તેમની આ બદલી રદ કરવા અને ચોટીલા મુકામે વધુ ૨ વર્ષ સુધી યથાવત રાખવાની માંગ સાથે ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ ખેડૂતો, સરપંચો અને સ્થાનિક અગ્રણીઓએ સુરેન્દ્રનગર કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોના જણાવ્યા અનુસાર, એચ. ટી. મકવાણા સાહેબ એક નિડર, નિષ્પક્ષ, બાહોશ અને પ્રજાહિતમાં કાર્ય કરતા ઈશ્વર જેવા લોકપ્રિય અધિકારી છે. પોતાના કાર્યકાળ દરમિયાન મકવાણા સાહેબે થાનગઢ, મુળી અને ચોટીલા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર કોલસા, બાયોડીઝલ તથા અન્ય ખનીજ માફિયાઓ સામે રાઉન્ડ ધ ક્લોક (નાઇટ પેટ્રોલીંગ સહિત) કડક દરોડા પાડી રૂ. ૧૦૦૦ કરોડથી વધુની ખનીજ ચોરી ઝડપી પાડી હતી. ગ્રામજનોનું માનવું છે કે કડક અને ઈમાનદાર કામગીરી કરનાર અધિકારીની અચાનક બદલી થવાથી ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ ફરી માથું ઊંચકશે. ચોટીલા, થાનગઢ અને મુળી તાલુકાના વિવિધ ગામોના સરપંચો તથા ખેડૂતોએ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર મારફતે ગુજરાત સરકારને આવેદનપત્ર આપી વિનંતી કરી છે કે મકવાણા સાહેબની બદલી અટકાવીને તેમને હજુ ઓછામાં ઓછા બે વર્ષ ચોટીલા પ્રાંત અધિકારી તરીકે સેવા આપવા દેવામાં આવે. આ કડક કાર્યવાહી કરનાર અધિકારીની બદલી રોકવા માટે સમગ્ર પંથકના ખેડૂતો અને ગ્રામજનો એકજૂટ થઈને રજૂઆત કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!