PM મોદીના નવસારી પ્રવાસને લઈ જિલ્લા તંત્ર એલર્ટ, કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

VVIP સુરક્ષા, હેલિપેડથી લઈ પાર્કિંગ-પ્રોટોકોલ સુધીની વ્યવસ્થાઓની ઝીણવટભરી સમીક્ષા
દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા. ૮ સપ્ટેમ્બરના રોજ નવસારી જિલ્લાના પ્રવાસે આવનાર હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવાની કામગીરી તેજ કરવામાં આવી છે. પ્રવાસ કાર્યક્રમને લઈને નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, નિવાસી અધિક કલેક્ટર જે.એન. લિખીયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર સહિત પ્રાંત અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, મામલતદારશ્રીઓ તથા વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કલેક્ટર મનીષ ગુરવાની દ્વારા પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમ માટે વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી જવાબદારીઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. કાર્યક્રમ સલામત, સુચારૂ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે તમામ વિભાગો વચ્ચે સંકલન જાળવવા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
બેઠકમાં ખાસ કરીને VVIP સુરક્ષા બંદોબસ્ત, કાયદો-વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, સભા સ્થળ અને હેલિપેડની સુરક્ષા મોનિટરિંગ, SPG તથા અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન સહિતની વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ મુખ્ય સ્ટેજ, બેઠક વ્યવસ્થા, પ્રોટોકોલ મુજબ અગ્રણીઓ અને મહાનુભાવોના બેઠક આયોજન તેમજ પાસ ઇશ્યુ કરવાની કામગીરી અંગે પણ સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.
પ્રધાનમંત્રીશ્રીના પ્રવાસ દરમિયાન કોઈપણ પ્રકારની અડચણ ન સર્જાય તે માટે વીજ પુરવઠો, જનરેટર સેટ, હેલિપેડ અને સભા સ્થળે અવિરત વીજળી, BSNL અને NIC દ્વારા હોટલાઇન-બ્રોડબેન્ડ કનેક્ટિવિટી જેવી ટેકનિકલ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જણાવાયું હતું.
આ ઉપરાંત કાર્યક્રમ સ્થળે સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા તથા ફૂડ સેફ્ટી સહિતની તમામ નાગરિકલક્ષી સુવિધાઓ પૂરતી રાખવા પણ જિલ્લા તંત્ર દ્વારા સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
પ્રધાનમંત્રીશ્રીના આગમન પૂર્વે નવસારી જિલ્લા તંત્ર દ્વારા દરેક વ્યવસ્થાની ઝીણવટભરી ચકાસણી કરી કોઈ કચાશ ન રહે તે માટે સમગ્ર વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે.


