શહેરાના ઉંમરપુર ગામના પ્રેમિલાબેન પરમારે ડિજિટલ સાક્ષરતા પર પી.એચ.ડીની પદવી મેળવી ગામનું ગૌરવ વધાર્યું
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરાના ઉંમરપુર ગામના પ્રેમિલાબેન પરમારે ડિજિટલ સાક્ષરતા પર પી.એચ.ડીની પદવી મેળવી ગામનું ગૌરવ વધાર્યું શહેરા તાલુકાના ઉંમરપુર ગામના ડૉ. પ્રેમિલાબેન સુરેશસિંહ પરમારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતેથી શિક્ષણ વિભાગમાં પીએચ.ડી. ની પદવી પ્રાપ્ત કરી.તેમણે ડૉ. એલ. એચ. પટેલના માર્ગદર્શન હેઠળ “૧૧ થી ૨૧ વર્ષનાં વિદ્યાર્થીઓ માટે ડિજિટલ સાક્ષરતા ઝડપ અને ચોકસાઈ કસોટીની રચના અને પ્રમાણીકરણ” વિષય પર પોતાનો મહાશોધ નિબંધ રજૂ કર્યો હતો. આ સંશોધન વિદ્યાર્થીઓમાં ડિજિટલ સાક્ષરતા કેળવણી અને વર્તમાન ડિજિટલ યુગમાં ઝડપ તેમજ ચોકસાઈ સાથે ડિજિટલ ક્ષમતા વધારવા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
ડબલ એમ.એ., એમ.એડ., અને એમ.ફિલ જેવી ઉચ્ચ ડિગ્રીઓ ધરાવતા ડૉ. પ્રેમિલાબાની આ સિદ્ધિ, પરિવારની જવાબદારીઓ નિભાવવાની સાથે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સખત પરિશ્રમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની આ સિદ્ધિ મહિલા સશક્તિકરણનું પ્રેરણાદાયક દ્રષ્ટાંત છે.
ડૉ. પ્રેમિલાબાને તેમની આ સિદ્ધિ બદલ શહેરા તાલુકા, ઉંમરપુર ગામના અગ્રણીઓ અને ક્ષત્રિય દરબાર સમાજના શ્રેષ્ઠીઓએ અભિનંદન પાઠવી, ગામનું ગૌરવ વધારવા બદલ શુભેચ્છાઓ આપી હતી.