વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 મેના રોજ ગાંધીનગરમાં 5,536 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગુજરાતના બે દિવસીય પ્રવાસ દરમિયાન 27 મેના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી કુલ 5,536 કરોડ રૂપિયાનાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ 1,006 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત 22,055 આવાસોની ચાવીઓ નાગરિકોને આપવાની, અમદાવાદમાં 1,000 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3નું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
શહેરી વિકાસ વિભાગ હેઠળ કુલ 2,700 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે. જેમાં સુરતના કાંકરા-ખાડીના કિનારે 145 કરોડના ખર્ચે વિકસિત થયેલા બાયોડાયવર્સિટી પાર્ક અને જામનગર, અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ સહિતના શહેરોમાં વિવિધ વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે.
રોડ અને બિલ્ડિંગ વિભાગ હેઠળ 170 કરોડ અને જળ સંસાધન વિભાગ હેઠળ 1,860 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. બનાસકાંઠાના થરાદ થી ધાનેરા સુધી 888 કરોડની પાઇપલાઇન અને દિયોદરથી લાખણી સુધીની 678 કરોડની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આરોગ્ય અને મહેસૂલ વિભાગ હેઠળ 672 કરોડના ખર્ચે બનેલા પ્રોજેક્ટ્સનું પણ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે. ગાંધીનગરમાં 84 કરોડના ખર્ચે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ થશે. જ્યારે અમદાવાદમાં ચેપી રોગો માટે ખાસ 500 બેડ સહિત 1,800 બેડની ક્ષમતા ધરાવતા નવા IPD બ્લોકનું ખાતમુહૂર્ત થશે.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની 17 મ્યુનિસિપલ કોર્પોરેશનને 2,731 કરોડ અને 149 મ્યુનિસિપાલિટીને 569 કરોડના ચેકનું વિતરણ કરશે.
આ કાર્યક્રમ વડાપ્રધાનના વિકાસવાદી દૃષ્ટિકોણ અને ગુજરાતના સર્વાંગી વિકાસ માટેની પ્રતિબદ્ધતાનું દ્રષ્ટાંતરૂપ બનશે.