GUJARATIDARSABARKANTHA

ઈડરમા દૂષિત પાણી મામલે જનઆક્રોશ : ઢોલ-નગારા વગાડી સ્થાનિકોએ પાલિકા ગજવી, અધિકારીઓ ગેરહાજર રહેતા હોબાળો

ઈડરમા દૂષિત પાણી મામલે જનઆક્રોશ : ઢોલ-નગારા વગાડી સ્થાનિકોએ પાલિકા ગજવી, અધિકારીઓ ગેરહાજર રહેતા હોબાળો

ઈડર શહેરમા છેલ્લા લાંબા સમયથી પીવાના અને વપરાશના પાણીની ગંભીર સમસ્યાને લઈ સ્થાનિક રહીશોનો પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનુ પાણી ન હલતા, આજે રોષે ભરાયેલા સ્થાનિકોએ ઇડર નગરપાલિકા ખાતે એક અનોખો અને આક્રમક વિરોધ પ્રદર્શન કર્યો હતો. સ્થાનિક રહીશો ઢોલ-નગારા સાથે પાલિકા કચેરીએ દોડી આવ્યા હતા અને તંત્રની કુંભકર્ણ નિદ્રા ઉડાડવા પ્રયાસ કર્યો હતો.
*દૂષિત પાણીથી જનતા ત્રાહિમામ્, તંત્ર નિષ્ક્રિય**
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, શહેરમા પીવા અને વપરાશ માટે જે પાણી સપ્લાય કરવામા આવી રહ્યું છે તે અત્યંત દૂષિત અને ગંદુ છે. આવુ ગંદુ પાણી વાપરવાથી લોકોના સ્વાસ્થ્ય સામે મોટુ જોખમ ઊભુ થયુ છે અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. ચોખ્ખુ અને નિયમિત પાણી મેળવવા માટે સ્થાનિકો દ્વારા અગાઉ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામા આવી છે, પરંતુ પાલિકા તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ મળ્યા છે અને પરિણામ શૂન્ય રહ્યુ છે.
*’ચીફ ઓફિસર મુર્દાબાદ’ના નારાથી ગુંજી પાલિકા*
લાંબા સમયની ધીરજ ખૂટતા આજે મોટી સંખ્યામા વોર્ડ નં ૩ ના સ્થાનિકો નગરપાલિકા કચેરીએ ધસી આવ્યા હતા. રોષે ભરાયેલા લોકટોળાએ પાલિકા પરિસરમા હાથમા પેમ્પલેટ લઈ *”ચીફ ઓફિસર મુર્દાબાદ”* અને *”અમને ચોખ્ખુ પાણી આપો”* ના ગગનભેદી નારા લગાવ્યા હતા. ઢોલ-નગારાના અવાજ અને લોકોના આક્રોશને કારણે પાલિકા કચેરીમા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
> **અધિકારીઓ ભૂગર્ભમા? લોકોનો ઉગ્ર વિરોધ જોઈ ચીફ ઓફિસર ગેરહાજર!*
> જનતાનો ભારે આક્રોશ અને અનોખો વિરોધ જોઈને ઇડર નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ અન્ય જવાબદાર પદાધિકારીઓ કચેરીમાથી ગેરહાજર જણાતા લોકોમા રોષ બમણો થયો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓ જનતાના સવાલોથી બચવા માટે ભાગી છૂટ્યા છે.

*આવેદનપત્ર આપવા મુદ્દે સ્થાનિકોની મક્કમ જીદ*
કચેરીમા જવાબદાર અધિકારીઓ હાજર ન હોવાથી સ્થાનિકોએ ઉગ્ર વલણ અપનાવ્યુ હતુ તેમણે ચીફ ઓફિસરને રૂબરૂ બોલાવવાની માંગ કરી હતી અને સ્પષ્ટ ચીમકી આપી હતી કે: જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ જાતે આવીને આવેદનપત્ર સ્વીકારશે નહીં, ત્યાં સુધી તેઓ આવેદનપત્ર પાઠવશે નહીં. સમગ્ર મામલે ઉગ્ર વિરોધની જાણ થતા નગરપાલિકા પ્રમુખ નગરપાલિકા કચેરી આવી સ્થાનિકોની રજૂઆત સાંભળી યોગ્ય કાર્યવાહી કરવા આશ્વાશન આપ્યુ હતુ એક વર્ષ કે તેનાથી વધુ સમય થી શુધ્ધ પાણી આપવા મામલે એકબીજાને ખો આપી રહેલા ચીફ ઓફિસર અને પાલિકા તંત્ર પાલિકા પ્રમુખનુ સાંભળે છે કેમ એ જોવુ રહ્યુ ?

* શુદ્ધ પાણી આપવાની લેખિત ખાતરી ન મળે ત્યાં સુધી પાલિકા પરિસરમાંથી કોઈ ખસશે નહીં.
અનેક રજૂઆતો છતાં પ્રાથમિક જરૂરિયાત એવા શુદ્ધ પાણી માટે વલખાં મારતી ઇડરની જનતાનો આ પ્રચંડ આક્રોશ જોઈને હવે પાલિકા તંત્ર આગામી દિવસોમા શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. જો વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!