સેવાના નામે સારવાર કે ચાર્જનો બોજ? ધ્રાંગધ્રાની સંસ્થાકીય હોસ્પિટલમાં વસૂલાતા ચાર્જ સામે ઊઠતા સવાલો
પગની સામાન્ય ઈજાની સારવારમાં રૂ.1700 નો ખર્ચ થતાં ગરીબ દર્દીનો આક્ષેપ

તા.29/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

પગની સામાન્ય ઈજાની સારવારમાં રૂ.1700 નો ખર્ચ થતાં ગરીબ દર્દીનો આક્ષેપ, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર એક સંસ્થા દ્વારા સંચાલિત હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓ પાસેથી વસૂલવામાં આવતા વિવિધ ચાર્જ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હોસ્પિટલ તંત્ર દ્વારા આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગ માટે ‘પરવડે તેવી આરોગ્ય સેવા’ આપવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કાંઈક અલગ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. તાજેતરમાં એક ગરીબ દર્દીને પગમાં સામાન્ય પ્રકારની ઈજા થતાં તેમણે આ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. દર્દીના જણાવ્યા મુજબ ડોક્ટર ફી, મેડિકલ, તપાસ અને ડ્રેસિંગ સહિત વિવિધ હોસ્પિટલ ચાર્જ મિલાવીને તેમને આશરે રૂ. ૧૭૦૦ જેટલો ખર્ચ થયો હતો. રોજનું કમાઈને રોજ ખાતા ગરીબ અને શ્રમિક વર્ગ માટે એક જ સમયની સારવાર પાછળ રૂ. ૧૭૦૦ જેવી રકમ ખર્ચવી તે તેમના માસિક ઘરખર્ચના બજેટને ખોરવી નાખવા સમાન છે. મુખ્ય સવાલો અને સ્થાનિક માંગ હોસ્પિટલ પોતાની વેબસાઇટ પર પોતાને ચેરિટેબલ સંગઠન દ્વારા સંચાલિત અને પરવડે તેવી સેવા આપતી હોસ્પિટલ તરીકે દર્શાવે છે, તો પછી સામાન્ય સારવારમાં પણ આટલો મોટો ખર્ચ કેમ? દર્દીઓ પાસેથી લેવાતા ડોક્ટર ફી, લેબોરેટરી તપાસ, ડ્રેસિંગ અને અન્ય ચાર્જની સ્પષ્ટ વિગતો કે બિલ દર્દીઓને આપવામાં આવે છે કે નહીં તે તપાસનો વિષય છે. ગરીબ દર્દીઓ માટે સંસ્થા પાસે કોઈ ખાસ રાહત, સબસિડી કે મફત સારવારની વ્યવસ્થા છે કે કેમ? આ ઘટના બાદ સ્થાનિક તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા આ હોસ્પિટલમાં વસૂલવામાં આવતા ચાર્જના માળખા, બિલિંગ પ્રોસેસ અને ગરીબ દર્દીઓ માટે ઉપલબ્ધ રાહતો અંગે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે. સવાલ માત્ર રૂ. ૧૭૦૦નો નથી, પરંતુ ‘સેવા’ના નામે ચાલતી સંસ્થાઓમાં ખરેખર ગરીબ દર્દીને કેટલી રાહત મળે છે તે મોટો પ્રશ્ન છે.


