
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

સાપુતારા ખાતે નૌકાવિહાર કરવા આવતા પ્રવાસીઓની સુરક્ષા સાથે ગંભીર ચેડાંના આક્ષેપો, રેસ્ક્યુ બોટ ખોટકાઈ તો હલેસા નાવડીનો સહારો-તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો..
ગિરિમથક સાપુતારામાં નૌકાવિહારમાં પ્રવાસીઓની સુરક્ષાને લઈને ચિંતાજનક દૃશ્યો સામે આવ્યા છે.સર્પગંગા તળાવમાં ધોધમાર વરસાદ અને ગાઢ ધુમ્મસ વચ્ચે પણ નૌકા વિહાર ચાલુ રાખવામાં આવતા હોવાના દૃશ્યો સામે આવતા બોટિંગ સંચાલન અને જવાબદાર તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.વરસાદ અને ધુમ્મસના કારણે તળાવમાં દૃશ્યતા અત્યંત ઘટી જતી હોવા છતાં પ્રવાસીઓને બોટિંગ કરાવવામાં આવતું હોવાના આક્ષેપોથી પ્રવાસીઓની સલામતી સામે જ ખુલ્લો સવાલ ઊભો થયો છે.પ્રતિકૂળ હવામાનમાં નૌકા વિહારને લઈને સલામતીના નિયમોનું પાલન કરાવવાની જવાબદારી સંબંધિત તંત્રની છે. ભારે વરસાદ, ગાઢ ધુમ્મસ અને જોખમી હવામાનમાં નૌકા વિહાર અંગે જરૂરી તકેદારી રાખવી અનિવાર્ય હોવા છતાં સર્પગંગા તળાવમાં વરસાદી માહોલ વચ્ચે બોટિંગ ચાલુ હોવાના દૃશ્યો સામે આવતા એવું લાગી રહ્યું છે કે પ્રવાસીઓની સુરક્ષા કરતાં બોટિંગની આવકને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે કે કેમ? તેવો સવાલ પ્રવાસીઓમાં ચર્ચાઈ રહ્યો છે.વધુમાં સાપુતારા સર્પગંગા તળાવમાં સુરક્ષાની મુખ્ય રેસ્ક્યુ બોટ ખોટકાઈ ગઈ હોવાનાં સમાચાર મળી રહ્યા છે.તો હવે દુર્ઘટના સમયે હલેસા નાવડી બની રેસ્ક્યુનો વિકલ્પ!આ સમગ્ર મામલામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે રેસ્ક્યુ બોટ ખોટકાઈ ગઈ હોવા છતા હલેસા નાવડીનો રેસ્ક્યુ માટે ઉપયોગ કરવામાં આવતો હોવાના દૃશ્યો સામે આવ્યા છે.તળાવમાં બોટિંગ દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાય અથવા પ્રવાસીઓ પાણીમાં ફસાઈ જાય તો ગણતરીની મિનિટોમાં બચાવ કામગીરી શરૂ કરી શકાય તે માટે કાર્યરત અને સજ્જ રેસ્ક્યુ બોટ ઉપલબ્ધ હોવી અત્યંત જરૂરી છે.પરંતુ રેસ્ક્યુ બોટ જ બંધ હાલતમાં હોય અને તેના સ્થાને હલેસા નાવડીના આધારે બચાવ કામગીરી કરવાની સ્થિતિ ઊભી થાય તો કટોકટીની ઘડીએ પ્રવાસીઓની સુરક્ષાની જવાબદારી કોણ લેશે? શું આ વ્યવસ્થા ખરેખર સલામતીના માપદંડોને અનુરૂપ છે? આ પ્રશ્નનો જવાબ તંત્રએ આપવો જરૂરી બન્યો છે.અગાઉ પણ જોખમી બોટિંગના વીડિયો સામે આવ્યા, છતાં કાર્યવાહી કેમ નહીં?
સર્પગંગા તળાવમાં જોખમી રીતે નૌકા વિહાર કરાવવામાં આવતો હોવાના વીડિયો અગાઉ પણ સામે આવી ચૂક્યા છે. તેમ છતાં વારંવાર આવા ગંભીર આક્ષેપો અને દૃશ્યો સામે આવતાં હોવા છતાં જવાબદાર સંચાલકો સામે અસરકારક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? શું નિયમો માત્ર કાગળ પર જ છે? કે પછી બોટિંગ સંચાલકોને કોઈનો ભય રહ્યો નથી?
વારંવાર નિયમોના ભંગના આક્ષેપો છતાં કાર્યવાહીનો અભાવ ક્યાંક તંત્રની ઢીલી નીતિ તરફ તો ઈશારો નથી કરતો ને? તેવો સવાલ સ્થાનિકો અને પ્રવાસીઓમાં ઉઠી રહ્યો છે.હાલમાં તંત્ર સ્પષ્ટ કરે કે ધુમ્મસ અને વરસાદમાં બોટિંગની મંજૂરી કોણે આપી?ચોમાસાની ઋતુમાં સાપુતારામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે. આવા સમયે પ્રવાસીઓની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. ત્યારે ધોધમાર વરસાદ અને ગાઢ ધુમ્મસ વચ્ચે બોટિંગ ચાલુ રાખવાની મંજૂરી કોના આદેશથી આપવામાં આવી હતી? રેસ્ક્યુ બોટ કેમ બંધ હાલતમાં હતી? રેસ્ક્યુ બોટના બદલે હલેસા નાવડીનો ઉપયોગ કયા સલામતી માપદંડ કે નિયમ હેઠળ કરવામાં આવ્યો? અને સૌથી મહત્વનું — જો બોટિંગ દરમિયાન કોઈ ગંભીર દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે?આ તમામ પ્રશ્નોના જવાબ હવે સંબંધિત તંત્રએ જાહેરમાં આપવા જરૂરી બન્યા છે.પ્રવાસીઓ સાપુતારામાં આનંદ અને કુદરતી સૌંદર્ય માણવા આવે છે, પોતાના જીવને જોખમમાં મૂકવા નહીં. તેથી પ્રવાસીઓના જીવ સાથે કોઈપણ પ્રકારનું જોખમ ઊભું થાય તે પહેલાં સર્પગંગા તળાવના નૌકા વિહારની સમગ્ર વ્યવસ્થાની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ ગંભીર મુદ્દાને માત્ર કાગળ પરની તપાસ સુધી સીમિત રાખશે કે ખરેખર જવાબદારો સામે પગલાં ભરીને પ્રવાસીઓની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપશે તે જોવું જ રહયુ..



