Rajkot: રાજકોટ શહેરમાં અવાજનું પ્રદૂષણ ફેલાવવા અંગે પ્રતિબંધાત્મક આદેશો જાહેર
તા.૧/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ શહેરમાં જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, તે માટે માઇક સીસ્ટમવાળાઓએ અવાજના પ્રદુષણને અટકાવવા અંગે સુપ્રિમ કોર્ટના ચુકાદાના નિર્દેશો મુજબ ધ્વનિ પ્રદૂષણ નિયમો-૨૦૦૦ અન્વયે ધ્વનિની માત્રાના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે, તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ધ્વનિની માત્રાના ધોરણો નીચે મુજબ છે.
ડેસીબલ (DB(A)Leq
એરીયા કોડ વિસ્તાર સવારના કલાક ૬/૦૦ થી રાત્રીના કલાક રર/૦૦ સુધી રાત્રીનાકલાક રર/૦૦ થી સવારના કલાક ૬/૦૦ સુધી
એ. ઔદ્યોગીક ૭૫ ૭૦
બી. વાણીજય ૬૫ ૫૫
સી. રહેણાંક ૫૫ ૪૫
ડી. શાંત વિસ્તાર પ૦ ૪૦
સામાન્ય રીતે, તહેવારો દરમિયાન તેમજ લગ્નપ્રસંગો અને મેળાવડા દરમિયાન લાઉડ સ્પીકર, ડ્રમ, પબ્લીક એડ્રેસ સીસ્ટમના ઉપયોગથી તેમજ રહેણાંક વિસ્તારમાં થઇ રહેલી ઔદ્યોગિક પ્રવૃતિ, વાહનોની અવરજવર તેમજ હોર્ન વગાડવાના કારણે અને બાંધકામ દરમિયાન ઉપયોગમાં લેવાતા સાધનોના કારણે ધ્વનિ પ્રદૂષણ ફેલાતુ જોવા મળે છે. આથી, રાજકોટ શહેરના પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશ કુમાર ઝાએ અવાજનું પ્રદૂષણ ફેલાવવા ઉપર પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે.
જે મુજબ માઇક સીસ્ટમ ભાડે આપનાર માલીક/ભાગીદાર, સંચાલક, મેનેજર, ઇવેન્ટ મેનેજર સમગ્ર રાજકોટ શહેરના પોલીસ કમિશ્નરશ્રીની હકુમતના વિસ્તારમાં વરઘોડા, રાજકીય, સામાજિક અથવા ધાર્મિક શોભાયાત્રા, રેલી સરઘસમાં જાહેર રસ્તા કે જાહેર જગ્યામાં ઉપયોગ માટે તેમજ પાર્ટી પ્લોટ, ખુલ્લી જગ્યા, રહેણાંકોની નજીકમાં આવેલી ખાનગી માલિકીની ખુલ્લી જગ્યામાં ઉપયોગ માટે માઇક સીસ્ટમ ભાડે આપી શકાશે નહીં.
વધુમાં, હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના ૧૦૦ મીટરના ઘેરાવાના શાંત વિસ્તારની આજુબાજુમાં માઇક સીસ્ટમનો ઉપયોગ થઇ શકે નહીં. કોમ્યુનલ લાગણી ઉશ્કેરાય તેવા ઉચ્ચારણો, ગાયનો માઇક સીસ્ટમમાં ઉપયોગ કરવો નહીં. રસ્તાની ડાબી બાજુ ચાલવા, ટ્રાફીકને અડચણ ન થાય તથા ટ્રાફીકના તમામ નિયમોનો અમલ કરવા તેમજ નાચગાન, ગરબી જાહેરમાર્ગમાં રોકાઇને કરવા નહીં. આ હુકમ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર વિસ્તારમાં તા.૩૧/૦૮/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.