Rajkot: “૧૧ એપ્રિલ : રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ” ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ થકી ‘સહી પોષણ, દેશ રોશન’નાં સૂત્રને સાકાર કરવામાં સહભાગી બનતી ગુજરાત સરકાર
તા.૧૧/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
પ્રથમ ૧૦૦૦ દિવસ એટલે બાળકને પોષણ આપવાની તકની પ્રથમ બારી : પોષણ પખવાડિયું – ૨૦૨૫નો પ્રથમ ધ્યેય
આલેખન – માર્ગી મહેતા
ભારતમાં દર વર્ષે તા. ૧૧ એપ્રિલના રોજ ‘રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ’ ઉજવાય છે. આ ઉજવણીનો હેતુ મહિલાઓની માતૃત્વ સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો છે. ભારત સરકારે વર્ષ ૨૦૦૩માં ૧૧મી એપ્રિલના રોજ ‘રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ’ ઉજવવાની જાહેરાત કરી હતી. માતૃત્વ દિવસની ઉજવણીની સાથેસાથે હાલમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિવિધ વિભાગોના સહયોગથી રાજ્યભરમાં ગત તા. ૦૮થી આગામી તા. ૨૨ એપ્રિલ દરમિયાન “પોષણ પખવાડિયા”ની ઉજવણીનું આયોજન કરાયું છે. ત્યારે આપણે “પોષણ પખવાડિયું – ૨૦૨૫” અને “મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના” વિશે જાણીએ.
પોષણ પખવાડિયું – ૨૦૨૫
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ પખવાડિયા દરમિયાન નિયત ચાર ક્ષેત્રો બાબતે સ્થાનિકસ્તરે જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહીને વિવિધ પ્રવૃત્તિઓ કરાઈ રહી છે. જેમાં અહીં આપેલા ચાર વિષયોનો સમાવેશ થાય છે.
પ્રથમ ૧,૦૦૦ દિવસ (ગર્ભાવસ્થાથી બાળકના બીજા જન્મદિવસ સુધી) : બાળકના વિકાસ માટે આ સમયગાળામાં યોગ્ય પોષણના મહત્વ પર ભાર મૂકવો
પોષણ માટે ડિજિટલ સાધનોનો ઉપયોગ : મોનિટરિંગ અને સેવા પહોંચાડવા માટે બેનિફિશિયરી મોડ્યૂલ જેવા ડિજિટલ પ્લેટફોર્મનો પ્રચાર
પોષણ વ્યવસ્થાપન : સમુદાય આધારિત કાર્યક્રમના માધ્યમથી અતિ ગંભીર કુપોષણમાં સુધારણા માટે નક્કર કાર્યવાહી
તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન : બાળકોમાં સ્થૂળતાને અટકાવવા તંદુરસ્ત જીવનશૈલી અને ખોરાકની આદતો વિશે જાગૃતિ લાવવી: મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના
માતા અને બાળકના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે જીવનના પ્રથમ ૧૦૦૦ દિવસો પર ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે. જે ગર્ભધારણથી બાળકના બીજા જન્મદિવસ વચ્ચેનો મહત્વપૂર્ણ સમયગાળો છે, આ દરમિયાન શ્રેષ્ઠ સ્વાસ્થ્ય, વૃદ્ધિ અને સમગ્ર જીવનકાળમાં માનસિક વિકાસ સ્થાપિત થાય છે. આથી, “પોષણ પખવાડિયું – ૨૦૨૫”નો પ્રથમ ધ્યેય ગર્ભાવસ્થાથી નવજાત શિશુના બીજા જન્મદિવસ સુધી બાળકને જરૂરી પોષણ અંગે જાગૃતિ લાવવાનો છે. જે સંદર્ભે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના મહત્વની સાબિત થઈ છે.
માતા અને બાળકના સ્વાસ્થ્યની કાળજીને સમજીને ગુજરાત સરકારે ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ અમલી બનાવી છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (M.M.Y.), એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સગર્ભા અને ૦૨ વર્ષ સુધીનું બાળક ધરાવતી માતાઓને પોષણયુક્ત આહાર પ્રદાન કરીને માતા અને બાળકના સ્વાસ્થ્યમાં સુધારો લાવવાના હેતુસર અમલી બનાવાઈ છે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના વર્ષ ૨૦૨૨થી અમલી છે. જેમાં પ્રથમ ૧૦૦૦ દિવસને તકની પ્રથમ બારી ગણવામાં આવે છે. આ તબક્કા દરમિયાન માતાઓને તેમના વિકસતા ગર્ભને અને ત્યારબાદ સ્તનપાન કરાવવા માટે પ્રોટીન, ચરબી અને વિટામિન્સ જેવા વધુ પોષક તત્વોની જરૂર હોય છે. આ યોજના હેઠળ પ્રથમ વખતની સગર્ભા અને ૦૨ વર્ષ સુધીના બાળકની આંગણવાડીમાં નોંધણી કરાવેલી માતાને લાભ મળે છે. જેમાં લાભાર્થીને દર માસે ૦૨ કિલો ચણા, ૦૧ કિલો તુવેરદાળ અને ૦૧ લિટર સિંગતેલ અપાઈ છે. આ પોષક તત્વોથી ભરપૂર આહાર માતા અને બાળકના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટે મહત્વપૂર્ણ છે.
નોંધનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં શરૂ કરાયેલા ‘રાષ્ટ્રીય પોષણ અભિયાન’નો નિશ્ચિત ધ્યેય હાંસલ કરવાની દિશામાં ગુજરાત સરકાર જન્મથી ૦૬ વર્ષના બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓ માટે પૌષ્ટીક આહાર પુરો પાડવા માટે પ્રયાસશીલ છે. ત્યારે ‘સહી પોષણ, દેશ રોશન’નાં સૂત્રને સાકાર કરવા ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’નો વધુમાં વધુ માતાઓએ લાભ લેવો જોઈએ.