Rajkot: રાજકોટ જિલ્લામાં ડ્રગ્સના દૂષણ સામે જાગૃૃૃતિ લાવવા સરકારી કાર્યક્રમોમાં શપથ લેવડાવવા નિર્દેશ
તા.૨૮/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ જિલ્લા નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ સૂચના આપી
ખેતરોનો સર્વે કરી તથા ડેમ પાસે પડતર જમીનમાં ઉગાડાતા ગાંજાનું વાવેતર શોધી કાઢવા ખેતીવાડી વિભાગને સૂચના
Rajkot: રાજકોટ જિલ્લા ક્લેક્ટર શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને આજે રાજકોટ જિલ્લા કક્ષાની નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી, જેમાં ડ્રગ્સના દૂષણને નાથવા યુવાનોમાં જાગૃૃૃતિ કેળવવા પર ખાસ ભાર મુકાયો હતો. આ સાથે જાગૃતિ ઝુંબેશ વધારવા તથા સરકારી કાર્યક્રમોમાં ઉપસ્થિત નાગરિકો, યુવાનોને ‘સે નો ટુ ડ્રગ્સ’ના શપથ લેવડાવવા નિર્દેશ આપવામાં આવ્યા હતા.
જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, શાળા-કોલેજ નજીક તમાકુ, સિગારેટ કે ડ્રગ્સનું વેચાણ ન જ થવું જોઈએ. તેમણે આવા વિતરકો પર દરોડા વધારવા સૂચના આપી હતી. ડ્રગ્સના દૂષણને સમાજમાંથી નાબૂદ કરવા સરકારશ્રી પણ ખાસ ભાર મુકી રહી છે, ત્યારે લોકોમાં તેમજ યુવાનોમાં વધુ જાગૃતિ લાવવા માટે નશાબંધી ખાતાને જનજાગૃતિ ઝુંબેશનું પ્રમાણ વધારવા તેમણે જણાવ્યું હતું. એટલું જ નહીં, સરકારી કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં તમામ સમાજના લોકો જોડાતા હોય છે, ત્યારે આવા કાર્યક્રમોમાં પણ નશો-ડ્રગ્સથી દૂર રહેવાના શપથ લેવડાવવા પણ પ્રાંત અધિકારીશ્રીઓને નિર્દેશ અપાયા હતા.
રાજકોટ જિલ્લામાં છુપાઈને થતું ગાંજાનું વાવેતર શોધી કાઢવા માટે કલેક્ટરશ્રીએ પાકના સર્વે વખતે સઘન અવલોકન કરવા તેમજ ડેમો આસપાસની ખાલી જગ્યામાં પણ સર્વે કરવા ખેતીવાડી ખાતાને સૂચના આપી હતી. કલેકટરશ્રીએ મેડિકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતા નશીલા સીરપના વેચાણ પર સઘન નિરીક્ષણ રાખી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપી હતી.
પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહે જણાવ્યું હતું કે, ડેમો આસપાસ પાણી ઉતરે, પછી ખાલી જગ્યામાં અમુક તત્ત્વો છુપાઈને ગાંજાનું વાવેતર કરી લેતા હોય છે. આથી તેમણે આવી જગ્યાઓ પર સર્વે જરૂરી ગણાવ્યો હતો. આ સાથે ગાંજાનું વાવેતર શોધી કાઢવા ડ્રોનના ઉપયોગનો અનુરોધ પણ તેમણે કર્યો હતો.
રાજ્ય સરકાર ડ્રગ્સના દુષણને ડામી દેવા સતત પ્રયત્નશીલ છે, ત્યારે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ડ્રગ્સ વિરોધી પ્રવૃત્તિ કરતા લોકો વિરુદ્ધ કડકાઈથી કામગીરી કરવા, પોલીસ તેમજ એસ.ઓ.જી.વિભાગ કટિબદ્ધ છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, રાજકોટ ઝોન-૨ ડી.સી.પી. શ્રી જગદીશ બંગરવા, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.કે. ગૌતમ, આસિસ્ટન્ટ કલેકટરશ્રી મહેક જૈન, પ્રાંત અધિકારી સર્વે શ્રી ચાંદની પરમાર, શ્રી વિમલ ચક્રવર્તી, શ્રી આર.આર. ખાંભરા, શ્રી રાહુલ ગમારા, શ્રી નાગાજણ તરખલા, શ્રી પ્રિયંક ગલચર, એસ.ઓ.જી.ના અધિકારીશ્રીઓ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, ફોરેન્સિક વિભાગ વગેરે વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.