GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: આપાતકાલીન સ્થિતિની તૈયારી માટે વિવિધ સંસ્થાઓ સાથે બેઠક યોજતા રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી

તા.૯/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

દવાઓ, બ્લડ સ્ટોક અને મેડિકલ સેવાઓ, ફૂડ પેકેટ્સ સહિતની તૈયારીઓ અંગે વિગતવાર ચર્ચા

ફેક ન્યૂઝ અને ખોટી માહિતીથી સાવધ રહેવા, સોશિયલ મીડિયાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવોઃ કલેક્ટર શ્રી પ્રભવ જોશી

Rajkot: દેશમાં પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને રાજકોટ જિલ્લા ક્લેક્ટર શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને આજે જિલ્લાની વિવિધ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં કોઈપણ આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા મેડિકલ સેવાઓ, ફૂડ પેકેટ, નિવાસ સહિતની જરૂરી બાબતો અંગે સંસ્થાઓની ક્ષમતા અને તૈયારીઓની વિગતો મેળવી પૂર્વ તૈયારીઓનું ઝીણવટપૂર્વક આયોજન હાથ ધરાયું હતું.

e

કલેક્ટરશ્રીએ દેશ અને સમાજમાં વિવિધ પરિસ્થિતિઓમાં સ્વૈચ્છિક સંગઠનોની ભૂમિકાને મહત્ત્વની ગણાવી હતી. આ બેઠકમાં ઈમરજન્સીની સંભવિત સ્થિતિમાં જરૂરી વિવિધ પાસાઓ અંગે ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં સિવિલ હોસ્પિટલ તેમજ વિવિધ બ્લડ બેન્કોમાં બ્લડ સ્ટોક વિશે માહિતી મેળવતા સ્થાનિક આરોગ્ય તંત્રની જરૂરિયાત અનુસાર બ્લડ ડોનેશન કેમ્પમાં નાગરિકોને જોડાવવા અનુરોધ પણ કરાયો હતો.

આ ઉપરાંત, વધુ રક્તદાન કેમ્પ યોજવા અને રક્તદાતાઓની યાદી અપડેટ રાખવા સહિતની બાબતો પર ભાર મુકાયો હતો.

આ બેઠકમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના નેશનલ વાઈસ પ્રેસિડેન્ટ (ઈલેક્ટ) ડૉ. યજ્ઞેશ પોપટ તેમજ રાજકોટના અન્ય સભ્યોએ કોઈપણ મેડિકલ ઈમરજન્સીની સ્થિતિમાં આઈ.એમ.એ.ની ટીમ સિવિલ હોસ્પિટલ સાથે સંકલનમાં રહીને ખડેપગે હોવાનું જણાવ્યું હતું. તેમણે વિવિધ સર્જન, ફિઝિશિયન તેમજ નર્સિંગ સહિતની ટીમ, વિવિધ હોસ્પિટલ્સમાં બેડ સહિતની સારવારની વ્યવસ્થાઓ તેમજ રક્ત આપૂર્તિ માટે પણ તૈયારી હોવાની ખાતરી આપી હતી. જરૂર પડ્યે આઈ.એમ.એ.ની ટીમને અન્ય જિલ્લાઓમાં મોકલવાની તૈયારી પણ તેમણે દર્શાવી હતી.

ઉપરાંત વિવિધ સંસ્થાઓ પાસે રહેલા મેડિકલ સાધનો જેવા કે ઓક્સિજન બોટલ્સ, વ્હીલચેર, આરામ માટે બેડ, એમ્બ્યુલન્સ, દવાઓ સહિતની વ્યવસ્થાઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. વિવિધ સંસ્થાઓએ ફૂડ પેકેટ્સ તેમજ કોઈપણ સ્થિતિમાં સેવા માટે પોતાના સ્વયંસેવકો તૈયાર હોવાની તૈયારી દર્શાવી હતી.

જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીએ સિવિલ ડિફેન્સની વ્યવસ્થા અંગે સૌને માહિતી આપી હતી અને જરૂર પડ્યે સંસ્થાઓના સ્વયંસેવકોની સેવા સિવિલ ડિફેન્સ હેઠળ લેવા જણાવ્યું હતું.

કલેક્ટરશ્રીએ સોશિયલ મીડિયા પર ચાલતા ફેક ન્યૂઝ અને ખોટી માહિતીના પ્રવાહમાં તણાઈ ના જવાય તે માટે સૌ સંસ્થાઓને જાગૃત અને સાવધ રહેવા અને સોશિયલ મીડિયાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અંગે જણાવ્યું હતું. આ સાથે તેમણે સંસ્થાઓને અધિકૃત માહિતી માટે જિલ્લા વહીવટી તંત્ર તેમજ ગુજરાત સરકારશ્રી, કેન્દ્ર સરકારશ્રીના અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને તેમના પર મુકાતી માહિતીને ફોલો કરવા ભાર મુક્યો હતો. સંસ્થાઓના સ્વયંસેવકોના ગ્રૂપ્સમાં પણ કોઈ ફેક માહિતી ફોરવર્ડ ના થાય અને અધિકૃત માહિતી જ પહોંચે તેના પર ભાર મુકવામાં આવ્યો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.કે. ગૌતમ, સિવિલ હોસ્પિટલના અધ્યક્ષ ડૉ. મોનાલી માકડિયા, જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. આર. આર. ફુલમાલી, ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના વિવિધ સભ્યો તેમજ રેડક્રોસ બ્લડ બેન્ક, બોલબાલા ટ્રસ્ટ, સરગમ ક્લબ, આર્ટ ઓફ લિવિંગ, બ્રહ્માકુમારીઝ, ઈસ્કોન, પ્રોજેક્ટ લાઇફ, ખોડલધામ ટ્રસ્ટ, કાઠિયાવાડ બાલાશ્રમ, સ્વાતંત્ર્ય સેનાની શુભેચ્છક પરિવાર, હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન, સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર, રામકૃષ્ણ આશ્રમ, પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ, બી.એ.પી.એસ. તેમજ અન્ય શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!