GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મેન્યુફેક્ચરર કે સપ્લાયર નહીં હવે વેન્ડર બનવા રાજકોટના ઉદ્યોગકારો આગળ આવે

તા.૪/૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

રેલવે અને ડિફેન્સમાં સપોર્ટિવ પાર્ટ્સ સીધા વેચાણની અઢળક તકો અંગે ઇન્ડીયા ઇન્ડસ્ટ્રીયલ ફેરમાં તજજ્ઞ દ્વારા માર્ગદર્શન

રેલવેમાં ૫૦થી વધુ વસ્તુઓ માટે એપ્રુવ્ડ વેન્ડર બનવા માર્ગદર્શન અને બિઝનેસ મીટ યોજાઈ

રાજકોટ ખાતે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આયોજિત ઇન્ડીયા ઇન્ડસ્ટ્રીયલ ફેર – ૨૦૨૫માં ભારતીય રેલ અને ડિફેન્સ ક્ષેત્રે વેપાર ઉદ્યોગ માટે રહેલી તકો અંગે માર્ગદર્શન આપતા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. અહીં રાજકોટના વિશાળ ઔદ્યોગિક એમ.એસ.એમ.ઈ. ક્ષેત્રને ધ્યાને લેતા મેન્યુફેક્ચર્સ અને સપ્લાયર્સ એક કદમ આગળ વધી વેન્ડર બનવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

રાજકોટ ખાતે આયોજિત ઇન્ડસ્ટ્રીયલ ફેરમાં રેલવે અને ડિફેન્સના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપતા સેમિનાર અને બિઝનેસ મીટ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવેના અધિકારીશ્રીઓ દ્વારા જણાવ્યા મુજબ રેલવે મેન્યુફેક્ચરિંગ માટે માત્ર ત્રણ એપ્રુવ્ડ વેન્ડર્સ છે, જયારે અન્ય લોકો તેઓને સપ્લાયનું કામ કરે છે. રાજકોટના ઉદ્યોગકારો એપ્રુવ્ડ વેન્ડર બને તે માટે ‘રિસર્ચ ડિઝાઇન્સ એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન’ (આર.ડી.એસ.ઓ.) હેઠળ વેન્ડર્સ સર્ટિફિકેશન આપવામાં આવતું હોવાનું વિભાગના ઓફિસર શ્રી પ્રદીપ કટ્યાલે જણાવ્યું છે.

રેલવેના રિસર્ચ અને ડેવલપમેન્ટ વિભાગ દ્વારા અનેકવિધ નવી ટ્રેન તેમજ સિસ્ટમ ડેવલપ કરવામાં આવે છે. વંદે ભારત, વંદે મેટ્રો, વંદે ભારત સ્લીપર, અમ્રિત ભારત, કેરિયર, બોગી, વેગન, કવચ, લોકોમોટિવ, ટ્રેક, ટ્રેક મોનીટરીંગ સિસ્ટમ નિર્માણમાં મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અગ્રિમ ભૂમિકા રહેલી છે.

રેલવેના એ.ડી.એમ.ઈ.શ્રી અતુલ કુમારના જણાવ્યા મુજબ રેલવે કોચીસ, કેરેજ, વેગન, ટ્રોલી, બુશીસ, સિગ્નલ માટે વ્હીલ, એક્સેલ, ડિસ્ક બ્રેક, સ્પ્રિંગ, સ્મોક ફાયર ડિટેક્શન, ઓટોમેટિક ટ્વિસ્ટ લોક, વોર્નિંગ સિસ્ટમ સહીત વિવિધ પાર્ટ્સ સપ્લાય, ઈન્સ્ટોલેશન, મેન્ટેનન્સ જરૂરિયાત રહેતી હોઈ છે. ટેલિકોમ વિભાગમાં બેટરી, ડેટા લોંગર સિસ્ટમ, ડબલ લાઈન બ્લોક સિસ્ટમ, એસ.એમ.પી.એસ બેઝ પાવર પ્લાન્ટ, વોકી ટોકી સેટ સહિતના સંસાધનોની જરૂરિયાત છે.

વેન્ડર્સ બનવા માટે આર.ડી.એસ.ઓ. ની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહે છે. એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગકારો માટે તેની ફી ૧૦ હજાર રૂપિયા છે. રજીસ્ટ્રેશન બાદ તેઓની સાઈટ વિઝીટ, સેમ્પલ ટેસ્ટિંગ અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.

ડિફેન્સ અને એરો સ્પેસ ખાતે આવનારા સમયમાં ખુબ મોટી માંગ ઉભી થશે. રાજકોટ ઔદ્યોગિક ઝોન તેમાં બહુમૂલ્ય પ્રદાન કરી શકે તેમ હોવાનું અહીં એક્સ્પો ખાતે ઉપસ્થિત અભ્યુદય કંપનીના શ્રી ધવલ રાવલે જણાવ્યું છે. તેઓ જણાવે છે કે, હાલ ભારત ૭૦% જેટલી ડિફેન્સ શસ્ત્ર સરંજામ આયાત કરે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “મેઇક ઇન ઇન્ડીયા” કેમ્પેઇન હેઠળ સ્વદેશી ઉત્પાદનને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ડિફેન્સ ઇક્વિપમેન્ટ સંલગ્ન પાર્ટ્સની મોટી જરૂરિયાત રહેશે. આ માટે રાજકોટ ખાતે ક્લસ્ટર તૈયાર કરી શકાય તેમ હોવાનું એક્સ્પો ખાતે સેમિનારમાં માર્ગદર્શન આપતા શ્રી રાવલે જણાવ્યું છે.

રાજકોટનો એન્જીનીયરીંગ ઉદ્યોગ રેલવે, ડીફેન્સ ક્ષેત્રે બહુમુલ્ય યોગદાન પૂરું પાડી શકે તેવું સામર્થ્ય ધરાવે છે, ત્યારે આવનારા સમયમાં ઉદ્યોગકારો આ ચેલેન્જ ઉપાડી રાષ્ટ્રના વિકાસમાં બહુમુલ્ય યોગદાન પૂરું પાડશે.

Back to top button
error: Content is protected !!