Rajkot: રાજકોટ જિલ્લામાં નારી વંદન સપ્તાહની ઉજવણીનો ઉત્સાહભેર આરંભ
તા.૧/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરાટે અને વ્યાયામ નિદર્શન કાર્યક્રમ યોજાયો
Rajkot: ગુજરાત રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન થાય તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે, તે માટે ગુજરાત સરકાર સતત પ્રયાસશીલ હોય છે. જેના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં મહિલાઓના સર્વાંગી વિકાસ માટે તેમના સામર્થ્યને ઉજાગર કરવા તા. ૧ ઓગસ્ટથી ૮ ઓગસ્ટ દરમિયાન નારી વંદન સપ્તાહનું આયોજન હાથ ધરાયું છે.
જે અન્વયે રાજકોટ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી તથા જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના સંયુકત ઉપક્રમે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરાટે અને વ્યાયામ નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીનીઓ અને મહિલાઓને સ્વરક્ષણ (સેલ્ફ ડિફેન્સ) માટે કરાટેની તાલીમ આપવામાં આવી હતી. તંદુરસ્તી માટે વ્યાયામ કરાવવામાં આવ્યા હતા. તેમજ મહિલાઓની સુરક્ષા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આમ, રાજકોટ જિલ્લામાં નારી વંદન સપ્તાહની ઉજવણીનો ઉત્સાહભેર આરંભ થયો હતો.