Rajkot: “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” અન્વયે હૃદયની ખામી અને લિવરના કેન્સરની વિનામૂલ્યે સારવાર થકી જેતપુરની સુમેરાને મળ્યુ નવજીવન
તા.૨૭/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: સરકારશ્રીના “રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ” હેઠળ જરૂરિયાતવાળા બાળકોની ગંભીર બીમારીની નિ:શુલ્ક સારવાર કરાવી તેમને સ્વસ્થતા પ્રદાન કરવામાં આવે છે. આ યોજના અન્વયે રાજકોટ જિલ્લાના જેતપુરની સુમેરાને જન્મજાાત હૃદયની ખામી અને બાદમાં ડીટેકટ થયેલા લિવરના કેન્સરની વિનામૂલ્યે સારવાર કરાઇ હતી.
આર.બી.એસ.કે ટીમના ડો.જયેશ પાઘડાર અને ડો.રાધિકા હીરપરાએ વર્ષ ૨૦૧૬માં જન્મેલી સુમેરાના સ્વાસ્થ્યની તપાસ કરી ત્યારે તેઓને સુમેરાના હ્રદયમાં ખામી હોવાનું જણાવાથી તેણીનું રાજકોટની ડી.ઈ.આઈ.સી. સિવીલ હોસ્પિટલ ખાતે તપાસ કરાવતાં આ રોગની પુષ્ટિ મળી હતી. આથી સુમેરાની સારવાર અમદાવાદ સ્થિત યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે કરાવવા માટે આર.બી.એસ.કે. ટીમના ડોકટર્સએ તેણીના માબાપને જણાવ્યું, પરંતુ નબળી આર્થિક સ્થિતિને લીધે તેમને માટે આ સારવાર લેવી મુશ્કેલ હતી. આથી આર.બી.એસ.કે. ટીમ અને સિવિલ હોસ્પિટલના ડોકટર્સની ટીમે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અન્વયે તમામ સારવાર વિના મૂલ્યે થવાની જાણકારી આપતાં સુમેરાના માતા-પિતાને હાશકારો થયો હતો. અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં નિષ્ણાત ડોકટરોની ટીમે સર્જરી કરી સુમેરાની હૃદયની ખામી દૂર કરી હતી.
કમનસીાબ સુમેરાને વર્ષ ૨૦૧૮માં લિવરના કેન્સરનું નિદાન થતાં તેના પરીવાર પર ફરીથી આભ તુટી પડયું હતું. એવા સમયે આરોગ્યની ટીમે સુમેરાની સારવાર માટે અમદાવાદ સ્થિત ધ ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટયુટ ખાતે રીફર કરી સુમેરાને દોઢ વર્ષ સુધી કીમોથેરાપીની સારવાર નિઃશુલ્ક અપાવી હતી. અને સુમેરાના લિવરની સર્જરી ટાટા મેમોરીયલ્સ હોસ્પિટલ ખાતે વિના મૂલ્યે કરાવવા માટે જરૂરી તમામ કાર્યવાહી કરતાં, સુમેરાની સફળતાપૂર્વક સર્જરીનો તમામ ખર્ચ ટાટા ટ્રસ્ટે ઉઠાવ્યો હતો. સુમેરાની સારવાર બાદ ફોલોઅપ તપાસ માટે ધ ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટયુટ અમદાવાદ ખાતે સીટી સ્કેન અને સોનોગ્રાફી કરવામાં આવે છે, જે સુમેરાના પૂર્ણ સ્વાસ્થ્યની ખાત્રી આપે છે.
હાલ, સુમેરા એકદમ સ્વસ્થ છે. તેણીના પિતા હુસેનભાઇ મોર અને તેણીનો પરીવાર આર.બી.એસ.કે. ટીમ, સિવિલ હોસ્પિટલ-યુ.એન.મહેતા હોસ્પિટલ-ધ ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટયુટ અમદાવાદ-ટાટ મેમોરિયલ્સ વગેરે સંસ્થાઓના ડોકટર્સ, ટાટા ટ્રસ્ટ તથા સરકારના ખૂબ આભારી છે.
જિલ્લામાં આર.બી.એસ.કે. ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરી વધુને વધુ બાળકોને લાભ થાય અને બાળક તંદુરસ્ત રહે તે માટે જિલ્લા કક્ષાએ જિલ્લા વિકાસ અધીકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.આર.આર.ફુલમાલીના માર્ગદર્શન હેઠળ સમયાંતરે આરોગ્યલક્ષી બેઠકો યોજી આર.બી.એસ.કે.નું આયોજન અને મુલ્યાંકન કરવામાં આવે છે. તથા આર.બી.એસ.કે ટીમને માર્ગદર્શન આપવામાં આવે છે.