Rajkot: રાજકોટ જિલ્લાના કુવાડવાના આંગણવાડીની બહેનો દ્વારા પોષણ માહની ઉજવણી કરાઈ
તા.૬/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
ટેક હોમ રાશનમાંથી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ બનાવીને પોષણક્ષમ આહારનું મહત્વ સમજાવતી આંગણવાડી કાર્યકર બહેનો
Rajkot: રાષ્ટ્રની મહિલાઓ અને બાળકોને સુપોષિત થાય તે સુનિશ્ચિત કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પોષણ માહની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં સાતમાં “પોષણ માહ”ની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય ઘટકના કુવાડવાના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ માહની ઉજવણી કરવામાં આવી હતી.
આઈ.સી.ડી.એસ. હેઠળની પોષણ અને આરોગ્ય સેવાઓ અંગે મહિલાઓને માહિતી આપવામાં આવી હતી. તેમજ આંગણવાડી કાર્યકર બહેનોએ ટેક હોમ રાશનમાંથી વેજ પુડલા, બાજરીના વડા, સુખડી, મસાલા ભાખરી, ગળ્યા પુડલા, ઈડલી, શીરો, ચણા, થેપલા, ઘુઘરા સહિતની સ્વાદિષ્ટ અને સુપોષિત વાનગીઓ બનાવી પોષણક્ષમ આહારનું મહત્વ ઉપસ્થિત સર્વેને સમજાવ્યું હતું.
આ તકે સગર્ભા-ધાત્રી માતાઓને પૌષ્ટિક આહાર મળી રહે, ચણા, તુવેરદાળ અને સીંગતેલ સહિતની વસ્તુઓ માંથી મળી રહે તે માટે માતૃશક્તિ કીટનું વિતરણ આઈસીડીએસ ઓફિસરશ્રી સાવિત્રી નાથજી દ્વારા કરાયું હતું. આ તકે ગામના સરપંચશ્રી, ગ્રામ્ય વિસ્તારની કિશોરીઓ, ધાત્રી માતાઓ, સગર્ભાઓ સહિતની મહિલાઓએ દૈનિક પૌષ્ટિક આહાર આરોગવા પોષણ શપથ ગ્રહણ કર્યા હતા.