Rajkot: રાજકોટ ગ્રામ્યમાં સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા કરાયેલી “પોષણ પખવાડિયું – ૨૦૨૫”ની ઉજવણી
તા.૧૬/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
પોષણ ટ્રેકર એપ.ની સમજ, બાળકોમાં સ્થૂળતાને દૂર કરવા વિષયક સ્પર્ધાઓ જેવી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ
Rajkot: ગુજરાત સહિત દેશભરમાં તા. ૦૮ એપ્રિલથી ૨૨ એપ્રિલ દરમિયાન ‘પોષણ પખવાડિયું – ૨૦૨૫’ ઉજવવાનું આયોજન કરાયું છે. જે અન્વયે રાજકોટ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ છે.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં “પોષણ પખવાડા” અંતર્ગત આંગણવાડી કાર્યકર દ્વારા પોષણની જાગૃતિ માટે ગૃહ મુલાકાત, બાળ તુલા દિવસ અને મમતા દિવસની ઉજવણી, બાળકના વિકાસ માટે પ્રથમ ૧૦૦૦ દિવસ (ગર્ભાવસ્થાથી બાળકના બીજા જન્મદિવસ સુધી)ના મહત્વની સમજ, પોષણ ટ્રેકર એપ્લીકેશનમાં લાભાર્થી મોડયુલ વિશે જાગૃતિ, કુપોષણ, એનેમિયા અને ઝાડાનો ઈલાજ, સ્વચ્છતાનો સંદેશ, બાળકોમાં સ્થૂળતાને દૂર કરવા વિષયક નિબંધ સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધા તેમજ ટેક હોમ રાશન (પોષ્ટિક આહાર)ની સમજ અપાઈ હતી.
“પોષણ પખવાડિયા” અંતર્ગત આગામી દિવસોમાં સ્થાનિક રીતે ઉપલબ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ, બાજરી પર આધારિત “અમ્મા કી રસોઈ” અને “દાદીમાના રસોડા” પર પ્રદર્શન, તંદુરસ્ત આહાર પ્રથાઓ (પ્રાદેશિક અને મોસમી) અંગે જાગૃતિ શિબિર, વોટર હાર્વેસ્ટિંગ (વરસાદી પાણીના સંગ્રહ)ને લગતી પ્રવૃત્તિ, શૌચાલય, પીવાનું પાણી અને સ્વચ્છતા અંગે જાગૃતિ, ગર્ભાવસ્થામાં કાળજી અંગે જાગૃતિ સત્રો, બાળકને ૦૬ મહિના સુધી માત્ર ને માત્ર સ્તનપાન અને ૨૪ મહિના અને તેનાથી વધુ સમય સુધી સ્તનપાન કરાવવા વિશે શિબિર અને ઘર મુલાકાત, બાળકોમાં સ્થૂળતાને દૂર કરવા માટે દોડ સ્પર્ધા અને વિવિધ રમતો, પૂર્ણા કિશોરી દ્વારા વાનગી સ્પર્ધા, રંગોળી સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા તેમજ પૂર્ણા દિવસની ઉજવણી જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાશે.
આ ઉપરાંત, દરેક કાર્યક્રમના અંતે ‘સહી પોષણ, દેશ રોશન’ની નેમ સાથે પોષણ શપથ લેવડાવવામાં આવે છે. આમ, પોષણ પખવાડિયાની ઉજવણીની સાથેસાથે સગર્ભાઓ, માતાઓ અને બાળકોને યોગ્ય પોષણયુક્ત આહાર મળી રહે, તે હેતુસર સંકલિત બાળ વિકાસ યોજના કચેરી પ્રયત્નશીલ છે.