Rajkot: શાપર વેરાવળ ગામે કિશોરીઓ માટે “માસિક સ્ત્રાવ” અને “સ્વ સ્વછતા” અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
તા.૧૧/૭/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
૧૦૦ કિશોરીને “હાઇજીન કીટ”, બાલિકા પંચાયતની દીકરીઓને કેપ તેમજ માર્ગદર્શિકા કીટ અર્પણ કરાઈ
Rajkot: ગ્રામીણ ક્ષેત્રે બાળકીઓને શિક્ષિણનો અધિકાર મળે તેમજ ગ્રામીણ વિકાસમાં મહિલાઓનું પણ પ્રદાન મળે તે માટે રાજ્ય સરકાર અનેક વિધ પગલાંઓ લઈ રહી છે. જે અન્વયે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ ની સાથોસાથ કન્યા કેળવણી મહોત્સવ – ૨૦૨૪ પણ ઉજવવવામાં આવ્યો હતો.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, રાજકોટ દ્વારા “સંકલ્પ” ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન યોજનાની ટીમ દ્વારા “મિશન શક્તિ” યોજના હેઠળ “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંતર્ગત રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના શાપર વેરાવળ ગ્રામ પંચાયત ખાતે ડ્રોપ આઉટ કિશોરીઓને “માસિક સ્ત્રાવ” અને “સ્વ સ્વછતા” અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૧૦૦ જેટલી કિશોરીઓને “હાઇજીન કીટ” વિતરણ કરવામાં આવી હતી. સાથોસાથ બાલિકા પંચાયતની દીકરીઓને કેપ તેમજ બાલિકા પંચાયતની માર્ગદર્શિકા કીટ અર્પણ કરાઈ હતી.
વ્હાલી દીકરી યોજનાના ૬૦ લાભાર્થી માતાઓને યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. સાથે વેરાવળ પંચાયત ખાતે વ્હાલી દીકરી યોજના ફોર્મ આપવામાં આવ્યા હતાં.
શાળાએ ના જાતી ડ્રોપ આઉટ અન્વયે ૫૦ કિશોરીઓનું કાઉંસેલિગ કરવામાં આવ્યું હતું. આ કિશોરીઓને પાર્લર, કોમ્પ્યુટર અને શિવણ જેવા તાલીમ વર્ગમાં જોડાવા અંગે ફોર્મ ભરવામાં આવ્યા હતાં જેથી કરી આ કિશોરીઓ પગભર થઈ શકે તેમ મહિલા અને બાલ વિકાસ વિભાગના અધિકારી શ્રી ડો. જનકસિંહ ગોહિલે જણાવ્યું છે.
આ કાર્યક્રમ વેરાવળ ગ્રામ પંચાયતના સહયોગથી કરવામાં આવેલ. તેમજ શાપર વેરાવળના ૧૨ આંગણવાડી કેન્દ્રના આશા વર્કર બહેનો હાજર રહ્યા હતા.