Rajkot: “સુજલામ્ સુફલામ્ અને કેચ ધ રેઇન – ૨.૦ અભિયાન” રાજકોટ તાલુકાનાં ચિત્રાવાવ ગામ ખાતે સરણાવાળા તળાવને ઊંડું ઉતારવા અર્થે શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન કરતાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.૨૪/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
સૌની યોજના ખરેખર “સૌની” સાબિત થઈ છે : મંત્રીશ્રી
Rajkot: ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતા અને રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવીણાબેન રંગાણીની ઉપસ્થિતિમાં રાજકોટ તાલુકાનાં ચિત્રાવાવ ગામ ખાતે સુજલામ્ સુફલામ્ અને કેચ ધ રેઇન – ૨.૦ અભિયાન હેઠળ સરણાવાળા તળાવમાં વધુ પાણીનો સંગ્રહ થાય, તેવા આશયથી તળાવને મીકેનીકલ મશીનરી થકી ઊંડું ઉતારવા અર્થે શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન કરાયું હતું.
મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે સરણાવાળા તળાવને ઊંડું કરવાનું કાર્ય પૂર્ણ થવાથી ચિત્રાવાવ ગામની અંદાજિત ૧૦૦ હેક્ટર ખેતીની જમીનમાં આવેલા કુવા અને બોરમાં ભૂગર્ભજળનાં સ્તરમાં નોંધપાત્ર વધારો થશે. જેથી, ખેડૂતોને સિંચાઈનો વધુ લાભ મળશે અને કેન્દ્ર સરકારના જળશક્તિ અભિયાન ‘કેચ ધ રેઇન – ૨.૦’નો જળસંચયનો અભિગમ સાકાર થશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી, જયારે ગુજરાતના મુખ્યમંત્રી પદે ફરજ નિભાવતાં હતાં, ત્યારે તેમની દીર્ઘદ્રષ્ટિના કારણે ગુજરાતમાં સિંચાઈ અને પીવાના પાણીના સંગ્રહ અને વિતરણની વ્યવસ્થા સુચારૂરૂપે કરવામાં આવી હતી. હાલના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પણ છેવાડાંના વિસ્તાર સુધી પાણી પહોંચાડવા પ્રતિબદ્ધ છે. સૌરાષ્ટ્ર હરિયાળું બન્યું છે અને પશુઓ માટે પણ લીલો ચારો સરળતાથી મળી રહે છે. આથી, સૌની યોજના ખરેખર “સૌની” સાબિત થઈ છે.
આ પ્રસંગે મહાનુભવોનું પરંપરાગત સામૈયું કરાયું હતું. કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્યથી કરાયા બાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરાયું હતું. તેમજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવીણાબેન રંગાણી અને અગ્રણીશ્રી મનહરભાઈ બાબરીયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ તકે તાલુકા પંચાયત પ્રમુખશ્રી ચેતનભાઈ કથીરીયા, મામલતદારશ્રી કે. એચ. મકવાણા, અગ્રણીશ્રી ભાણજીભાઈ મેવાસિયા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.