RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ‘જ્ઞાન સાથે ગમ્મત’ના સૂત્રને સાર્થક કરતી વિરનગરની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય

તા.૧૦/૧૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન : માર્ગી મહેતા

આશ્રયની સુવિધા સાથે ૧૫૦ કન્યાઓને મળી રહ્યું છે ગુણવત્તાલક્ષી શિક્ષણ: રોલ પ્લે કોમ્પિટિશનમાં રાજ્ય કક્ષાએ દ્વિતીય ક્રમ મેળવ્યો

શાળા દ્વારા Ofcourse સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવા અંતરિયાળ વિસ્તારોમાં રૂબરૂ મહોલ્લા બેઠક અને સર્વેનું આયોજન

શિક્ષણથી વંચિત કન્યાઓની સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કે.જી.બી.વી.) આર્શિવાદરૂપ

Rajkot: ભારતના પ્રથમ શિક્ષણ પ્રધાન મૌલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિ નિમિત્તે તા. ૧૧ નવેમ્બરે ‘રાષ્ટ્રીય શિક્ષણ દિવસ’ ઉજવાય છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી કહેતા ‘‘તમે એક બાળકને શિક્ષિત કરશો તો સમાજને એક શિક્ષિત નાગરિક મળશે, જ્યારે તમે એક કન્‍યાને શિક્ષિત કરશો તો સમાજને એક શિક્ષિત પરિવાર મળશે.’’ ત્યારે ગુજરાત સરકારે ગાંધીજીના કન્યા કેળવણીના આ વિચારને આત્મસાત કર્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે મહિલાઓના શિક્ષણ માટે અનેક કલ્યાણકારી યોજના અમલી બનાવી છે. જે પૈકી સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કાર્યરત “કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શાળા” અભ્યાસથી વંચિત કન્યાઓ માટે આર્શિવાદરૂપ યોજના છે. ત્યારે વાત કરીએ ‘રાષ્ટ્રીય શિક્ષણ દિવસ’ના અવસરે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, વિરનગરની. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વિરનગર ગામમાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કે.જી.બી.વી.)નો આરંભ વર્ષ ૨૦૧૬-‘૧૭માં થયો હતો. જેમાં હાલ જસદણ અને વિછીંયા તાલુકાના કુલ ૨૫ ગામોમાંથી ૧૫૦ કન્યાઓ અભ્યાસ સાથે આશ્રય મેળવી રહી છે. બે વિશાળ બિલ્ડીંગ, મોટું મેદાન અને રહેવા-જમવાની સુવિધા ધરાવતું આ સરકારી કન્યા છાત્રાલય છે. અહીં વિદ્યાર્થીનીઓ ધો. ૬થી ધો. ૧૨ના અભ્યાસક્રમની સાથેસાથે કમ્પ્યુટર જ્ઞાન, કરાટે તાલીમ, વિવિધ રમતો, જિલ્લા કક્ષાએથી માંડી રાજય કક્ષા સુધી વિવિધ સ્પર્ધાઓ, ખેલમહાકુંભ, કલાઉત્સવ અને કલામહાકુંભ વગેરેમાં ભાગ લઈને વિજેતા બની રહી છે.

રાજકોટ ડિસ્ટ્રિક્ટ ગર્લ્સ એજ્યુકેશન કો-ઓર્ડીનેટરશ્રી આરતીબેન લુંગાતર જણાવે છે કે, ” શાળામાં કન્યાઓને અભ્યાસની સાથોસાથ ઈતર પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે. જે અંતર્ગત રાજ્ય સ્તરે આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં આ શાળાની વિદ્યાર્થીનીઓ અગ્રેસર રહી છે. ગાંધીનગર દ્વારા આયોજિત રોલ પ્લે કોમ્પિટિશનમાં આ શાળાના વોર્ડન કમ હેડ ટીચરશ્રી મનીષાબેન ગોહિલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓએ ‘વ્યસન મુક્તિ’ વિષય પર જિલ્લા કક્ષાએ તથા ઝોન કક્ષાએ પ્રથમ, ત્યારબાદ રાજ્ય કક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ કન્યાઓએ પોતાના અભિનયથી ઉપસ્થિતોનું ધ્યાન આર્કષિત કર્યું છે. આમ, આ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ અભ્યાસની સાથેસાથે રમતગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને ‘જ્ઞાન સાથે ગમ્મત’નું સૂત્ર સાર્થક કરી રહી છે.”

આ શાળા દ્વારા દીકરીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા સતત પ્રયત્નો કરવામાં આવતા રહે છે. આર્થિક, સામાજિક અને કૌટુંબિક જવાબદારીઓના ભાર તળે શિક્ષણથી વંચિત રહી જતી તરુણીઓને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવા ઝુંપડપટ્ટી, વાડી વિસ્તાર, અંતરિયાળ વિસ્તારોમાં રૂબરૂ મહોલ્લા બેઠક અને સર્વે કરવામાં આવે છે. આમ, આ શાળા કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપીને જરૂરિયાતમંદ કન્યાઓનો સર્વાંગી વિકાસ કરવા પ્રયાસશીલ છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દિક્ષિત પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં હાલ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી કે.જી.બી.વી. વિરનગર તેમજ કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી કે.જી.બી.વી. વિંછીયા અને જસદણ ખાતે એમ કુલ ૩ કે.જી.બી.વી. કાર્યરત છે.

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના, જ્યાં સ્ત્રી સાક્ષરતા દર રાષ્ટ્રીય સાક્ષરતા દર કરતા ઓછો અને સાક્ષરતામાં લૈંગિક તફાવત રાષ્ટ્રીય દર કરતા ઉંચો હોય તેવા શૈક્ષણિક રીતે પછાત તાલુકાઓમાં છે. જે ૧૦ વર્ષથી ૧૬ વર્ષની ક્યારેય શાળાએ ન ગયેલી (Never Enrolled) અને અધવચ્ચેથી શાળા છોડી ગયેલી (Drop Outs) કન્યાઓ માટે અમલમાં મુકાઇ છે. આ શાળા અંતરીયાળ વિસ્તારની કન્યાઓ માટે સુવિધાસભર અને સ્વમાનભેર અભ્યાસ પૂર્ણ કરી શકે તેવી સરકારી નિવાસી વ્યવસ્થાથી સજ્જ છે. ઉલ્લેખનીય છે કે, આ યોજના અંતર્ગત કન્યાઓ શિક્ષણથી વંચિત ન રહી જાય માટે સરકાર મારફત નિવાસી વ્યવસ્થા સાથે નજીકની ઉચ્ચ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં વયકક્ષા અનુસાર નામાંકિત કરી જરૂરી અભ્યાસ પૂર્ણ કરાવવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!