JETPURRAJKOT

Rajkot: ૨૩ જૂન પોલિયો રવિવારે રાજકોટ જિલ્લાના ૧૬૯૯૮૨ બાળકોને પોલિયો વિરોધી રસી અપાશે

તા.૧૮/૬/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન: ડો. દિવ્યા ત્રિવેદી

૯૨૫ રસીકરણ બુથ, ૧૭૨૨ રસીકરણ ટીમો, ૧૮૫ મોબાઇલ ટીમ સાથે આરોગ્ય તંત્ર સજ્જ

એક વાર રસી લીધી હોવા છતાં પાંચ વર્ષથી નીચેના બાળકોને રસી અપાવવી જરૂરી

Rajkot: વિશ્વમાં આજે પણ અનેક રોગો લોકજીવનને મોટાપાયે ગ્રસિત કરી બેઠાં છે. સામાન્ય રીતે બાળકના જન્મ સાથે જ અનેક રોગોથી બચાવવા માટે રસીકરણ દ્રારા તેને આપણે સુરક્ષિત કરીએ છીએ. આમ છતાં હજુ ઘણા નવા જન્મેલા બાળકોને સુરક્ષા આપવામાં માતાપિતા સક્ષમ નથી ત્યારે આ રોગોથી તેમને સુરક્ષિત રાખવાનુ ઉમદા કાર્ય રાજય સરકારનો આરોગ્ય વિભાગ કરી રહ્યું છે. જન્મતાં જ બી.સી.જી. ની રસીથી લઈ નૂરબીબી, ઓરી,અછબડા, મગજના તાવ, ગંભીર લીલા ઝાડ અને ન્યુમોનિયાની રસી જેવા બાળકોના જીવના દુશ્મન જેવા તમામ રોગની રસી પણ સરકાર નિ:શુલ્ક પૂરી પાડે છે. ત્યારે આ રસીઓમા પોલિયોની રસીની ઝુંબેશને કેમ ભૂલી શકાય?

અગામી ૨૩ જૂનના રોજ, પોલિયો દિવસ નિમિત્તે રાજકોટ જિલ્લામાં રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે. આપને થશે કે ભારતમાં હવે તો પોલિયો નાબૂદ થઈ ગયો છે તો રસીની શું જરૂર? પોલિયો શું છે? કયા કારણોથી થાય? શુ પુખ્ત વયના લોકો ને થઈ શકે તે તમામ પ્રશ્નોના જવાબ મેળવીએ.

પોલિયો શું છે?

પોલિયો એ પોલિયો વાયરસથી થતો રોગ છે. મોટાભાગના લોકોમાં તેના કોઈ આગોતરા લક્ષણો જોવા મળતા નથી, પરંતુ કેટલાક લોકો લકવાગ્રસ્ત થઈ જાય છે. રસીઓ પહેલાં, હજારો લોકો આ રોગચાળો ફાટી નીકળતાં લકવાગ્રસ્ત થતાં હતા. આજે જંગલી પોલિઓ વાયરસ પ્રકાર 2 અને 3 નાબૂદ થઈ ગયા છે, પરંતુ પ્રકાર 1 હજુ પણ વિશ્વના કેટલાક ભાગોમાં અસ્તિત્વ ધરાવે છે. પોલિયોને રોકવા માટે રસીકરણ એ જ શ્રેષ્ઠ માર્ગ છે. પોલિયોનો કોઈ ઈલાજ નથી.

પોલિયો થવાનું કારણ શું?

સ્વચ્છતાનો અભાવ આ વાયરસને જન્મ આપે છે. જે સંક્રમિત પાણી, ખોરાક કે વ્યક્તિના ચેપ લાગવાથી ફેલાય છે.

પોલિયો મારા શરીરને કેવી રીતે અસર કરે છે?

પોલિયો વાયરસ તમારા મોં કે નાક દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. ગળા અને આંતરડામાં ફેલાય છે. કેટલાક કિસ્સાઓમાં, તે મગજ અને કરોડરજ્જુમાં પ્રવેશ કરે છે અને લકવાનું કારણ બને છે. લકવો હાથ, પગ અથવા શ્વાસને નિયંત્રિત કરતા સ્નાયુઓને અસર કરી શકે છે.

 

શું પુખ્ત વયના લોકોને પોલિયો થઈ શકે છે?

હા, પુખ્ત વયના લોકોને પણ પોલિયો થઈ શકે છે. જે પુખ્ત વયના લોકોને અગાઉ રસી આપવામાં આવી નથી તેઓ પોલિયો વાયરસના સંપર્કમાં આવે તો તેમને પોલિયો થઈ શકે છે.

ભારત પોલિયો નાબૂદ દેશ હોવા છતાં રસીકરણની શું જરૂર છે?

આજે પણ વિશ્વના કેટલાક ભાગોમાં પોલિયોના કેસ છે. જ્યારે અસરગ્રસ્ત લોકોની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે, ત્યારે પોલિયોને નાબૂદ કરવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસો હજુ પણ ચાલુ છે. આજે વિશ્વમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પોલિયોના કેસ જોવા મળ્યા છે. ત્યારે આપણા પાડોશી દેશોમાં તેના કેસ જોવા મળતા આપણને ગાફેલ રહેવુ ન પાલવે.

વિશ્વના ઘણા ભાગોમાં લક્ષણો સાથેનો પોલિયો હવે જોવા મળતો નથી, વિશ્વવ્યાપી રસીકરણ કાર્યક્રમોને કારણે મોટાભાગના દેશોમાં પોલિયો નાબૂદ માનવામાં આવે છે. પોલીયો હવે તે વિસ્તારમાં ફેલાતો નથી પરંતુ જ્યારે લોકો રસી લેવાનું બંધ કરે છે, ત્યારે પોલિયો ફરીથી ફેલાવવાનું શરૂ કરી શકે છે. આ માટે સમયાંતરે પોલિયો ઝુંબેશ દ્વારા સમૂહ રસીકરણ અભિયાન ચલાવવામાં આવે છે.

આગામી તા. ૨૩ જૂનના રોજ રાજકોટ જિલ્લામાં બાળ લકવા નાબુદી અભિયાન અંતર્ગત પોલિયો રવિવારના દિવસે ૧૬૯૯૮૨ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવશે. આ અભિયાનના ભાગ રૂપે ભારત સરકારશ્રી દ્રારા તા. ૨૩ જુન-૨૦ર૪ ના રોજ રાજકોટ જિલ્લાના તાલુકાના ગ્રામ્ય/નગરપાલીકા વિસ્તારોમાં પાંચ વર્ષથી નીચેના તમામ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવશે.

આ અંગે રાજકોટ આરોગ્ય તંત્ર દ્વારા સંપુર્ણ આયોજન કરી લેવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાના પાંચ વર્ષથી નીચેના ૧૬૯૯૮૨ બાળકોને રસી આપવા માટે ૯૨૫ રસીકરણ બુથ તેમજ ૧૭૨૨ રસીકરણ ટીમો બનાવવામાં આવેલ છે. પ્રત્યેક ટીમમાં આરોગ્ય કર્મચારી, આશા, આંગણવાડી કાર્યકર તથા સ્વંયસેવકો ફરજ નિભાવશે. તમામ આયોજનના અસરકારક અમલ માટે ૧૮૬ સુપરવાઈઝરો નીમવામાં આવેલ છે.

અંતરીયાળ વિસ્તાર, વાડી વિસ્તારમાં કામગીરી કરવા માટે ૧૮૫ મોબાઇલ ટીમો અને રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન તથા મોટી સંખ્યામાં જયાં લોકો એકત્રિત થાય છે તેવી જગ્યાઓ માટે ૪૬ ટ્રાન્ઝીટ ટીમો બનાવવામાં આવી છે.

તા.૨૩ જુન ર૦ર૪ના રોજ પ્રથમ દિવસે દરેક ગામમાં રસીકરણ બુથ બનાવવામાં આવેલ ત્યાં પોલિયો વિરોધી રસી દરેક બાળકને આરોગ્ય ટીમ દ્રારા આપવામાં આવશે ત્યારબાદ બીજા અને ત્રીજા દિવસે આરોગ્ય ટીમ ગામના દરેક ઘરોની મુલાકાત લઇ, કોઇ બાળક બાકી નથી તેની ખાત્રી કરશે અને જો રસીકરણમાં બાળક બાકી હશે તો સ્થળ પર જ રસી આપવામાં આવશે.

રાજકોટ જિલ્લામાં કામગીરીના અસરકારક અમલીકરણ માટે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની સ્ટીયરીંગ કમિટી બનાવવામાં આવી છે, જેની મીટીંગ યોજી આયોજનને આખરી ઓપ આપવામાં આવેલ છે તેમજ જિલ્લાના વર્ગ-૧ના અધિકારીઓને સંકલન અધિકારી તરીકે નિમવામાં આવેલ છે. જિલ્લા કક્ષાએ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી તમામ, મેડીકલ ઓફિસરશ્રી, પ્રા.આ.કે./ અર્બન આરોગ્ય કેંદ્રો તમામ, આર.બી.એસ.કે. મેડીકલ ઓફિસર તમામને તાલીમ આપી તાલુકા કક્ષાની કમિટી બનાવવામાં આવી છે.

આ અભિયાનમાં જોડાઈ રાજકોટ જિલ્લાના વાલીઓ તા.૨૩ જુન-ર૦ર૪ ના રોજ પોલિયો રવિવારના દિવસે પાંચ વર્ષથી નીચેના તમામ બાળકોને પોલિયો વિરોધી રસી અપાવવા બુથ પર આવે તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આપનું બાળક જો સામાન્ય બિમાર હોય, અગાઉ ગમે એટલીવાર આ રસી લીધી હોય તો પણ આ દિવસે અવશ્ય રસી અપાવવા આવો. પોલિયો મુકત ભારતને વધુ મજબૂત ભારત બનાવો.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button