BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર એસટી વર્કશોપ ખાતે બાળમજૂરી નિવારણ દિવસની ઉજવણી કરાઈ

15 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

બાળમજૂરી – વિનાશ તરફનો રસ્તો થીમ હેઠળ બાળમજૂરી નિવારણ દિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે એસટી વર્કશોપ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં એસટી વર્કશોપના અંદાજે ૧૨૦ કર્મચારીઓએ ઉપસ્થિત રહીને બાળમજૂરીના દૂષણ, તેની અસર અને તેના નિવારણ માટેની જવાબદારી વિષે વિસ્તૃત માહિતી મેળવી હતી. કાર્યક્રમ દરમ્યાન પ્રયાસ જુવેનાઇલ એડ સેન્ટર સોસાયટીના શ્રી મેઘાબેન પંડ્યા દ્વારા બાળમજૂરીના કારણે બાળકોની અંદર થતી આત્મવિશ્વાસની હાનિ અને ભવિષ્ય ઉપર થતી અસર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.ચિલ્ડ્રન હોમ અને અનાથ બાળકો માટેના નિવાસ કેન્દ્રોની કાર્યપદ્ધતિ અંગે પણ ઉપસ્થિતોને માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં જણાવાયું કે સામાન્ય જનતા પણ ૧૦૯૮ (ચાઇલ્ડ હેલ્પલાઇન), ૧૮૧ (અભયમ), તથા ૧૦૦ (પોલીસ કંટ્રોલ રૂમ) જેવા હેલ્પલાઇન નંબરો દ્વારા જરૂરી સહાય મેળવી શકે છે.
બાળ મજૂરીને નાથવા માટે દર વર્ષે તારીખ ૧૨ જૂનને ‘વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકારે વર્ષ ૧૯૮૬માં બાળ મજૂરી નિષેધ અને નિયમન કાયદો પસાર કર્યો હતો. આ અધિનિયમ ૦ થી ૧૪ વર્ષના બાળકોને કોઈપણ પ્રકારના કામ પર રાખવા માટે સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત ૧૪ થી ૧૮ વર્ષના તરુણોને જોખમી ધંધાઓમાં પ્રતિબંધ અને બિનજોખમી ધંધા- વ્યવસાય પર રાખવા માટે જરૂરી નિયમો હેઠળ જોગવાઈ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬માં આ અધિનિયમમાં કરાયેલા સુધારા બાદ કાયદાનું નામ ‘બાળ અને તરુણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ’ કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ડૉ. આશિષ જોશી, બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ શ્રી જયેશભાઈ દવે, એસટી વર્કશોપના મેનેજર અને પ્રયાસ જુવેનાઇલ એડ સેન્ટર સોસાયટીની ટીમ ઉપસ્થિત રહી હતી.

Back to top button
error: Content is protected !!