RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ૧૭ એપ્રિલ- વિશ્વ હિમોફીલિયા દિવસ “એસેસ ફોર ઓલ: વિમેન્સ એન્ડ ગર્લ્સ બ્લિડ ટુ ” થીમ અન્વયે વિશ્વભરમાં જાગૃતિ સંદેશ

તા.૧૬/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન: રિધ્ધિ ત્રિવેદી

બ્લડબેંક કર્મી તરીકે હિમોફીલિયાના દર્દીઓની તકલીફ પિછાણી, સંસ્થાના નિર્માણની પ્રેરણા મળી – એડવાઇઝર શ્રી કિરણ અવાસિયા

૩૧ દર્દીઓથી શરૂ થયેલી યાત્રામાં હાલ સુધીમાં ૭૦૦થી વધુ દર્દીઓની સારવારના સાથી બનતી હિમોફીલિયા સોસાયટી

આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ “સેવ વન લાઈફ” અન્વયે ૩૧ હિમોફીલિયા દર્દીઓને મહીને ૨૦ ડોલરની આર્થિક સહાય

Rajkot: સમગ્ર વિશ્વમાં ૧૭ એપ્રિલના રોજ વર્લ્‍ડ ફેડરેશન ઓફ હિમોફીલિયા દ્વારા ‘‘વિશ્વ હિમોફીલિયા દિવસ‘‘ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે “એસેસ ફોર ઓલ: વિમેન્સ એન્ડ ગર્લ્સ બ્લિડ ટુ” થીમ અન્વયે વિશ્વભરમાં જાગૃતિ સંદેશ આપવામાં આવશે. રાજકોટમાં કાર્યરત હિમોફીલિયા સોસાયટી દ્વારા પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

તો ચાલો હિમોફીલિયા વિશે જાણકારી મેળવીએ, હિમોફીલિયા એ એક પ્રકારનો આનુવંશિક રોગ છે, જેમાં લોહી ગંઠાવાની પ્રક્રિયા ખૂબ જ ધીમી હોય છે. માનવ શરીરના ૧૩ પ્રકારના ઘટકો (પ્રોટીન્સ) પૈકી કોઇ પણ એક પ્રોટીનની ખામીના લીધે રક્તસ્ત્રાવ થાય છે. અસહ્ય દુ:ખાવો, વધારે સોજો અને હંગામી કે કાયમી ધોરણે વિકલાંગતાથી પીડાતા હોય છે. સાંધાના રક્તસ્ત્રાવ માટે દર્દી અપંગ ન બને તે માટે નિયમિત ફીઝીયોથેરાપી લેવી પડે છે. જે હિમોફીલિયા સોસાયટીમાં નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે.

દર ૧૦ હજારની વસ્તીએ એક દર્દીને આ રોગ થવાની સંભાવના છે. હિમોફીલિયા વારસાગત ખામી છે. જેની ઓળખ ગર્ભાધાનના શરૂઆતના તબક્કાથી પણ કરી શકાય છે. ગત વર્ષે હિમોફીલિયા દિવસ નિમિત્તે આ જ પ્રકારના પરીક્ષણ માટે રાજકોટના રાજવીશ્રી માધાંતા સિંહજીના અનુદાનથી રાજકુમાર કોલેજ ખાતે સગર્ભાઓના ગર્ભજળના સેમ્પલ લઈને તેના પરીક્ષણ કરવામાં આવ્યા હતા.

હિમોફીલિયા રોગ કેવી રીતે આવે છે, તેને કેવી રીતે અટકાવવો, તેની સારવાર, અને નિદાન માટે હિમોફીલીયા ફેડરેશન ઓફ ઇન્ડિયા ભારત સરકાર સાથે કાર્યરત છે. ભારતભરમાં હિમોફીલિયા સોસાયટીની ૧૦૨ સંસ્થા અને ગુજરાત રાજ્યમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા, ભાવનગર, સુરત, મહેસાણા એમ ૬ શહેરોમાં સંસ્થાઓ કાર્યરત છે. જ્યાંથી જાહેર જનતાને ચોક્કસ તથા સચોટ માહિતી, જરૂરી મદદ અને સાથ સહકાર મળી રહે છે. તમારું બાળક હિમોફિલિક હોવાની જાણ થાય કે શંકા હોઈ તો હિમોફીલિયા સોસાયટીનો સંપર્ક કરવો જોઈએ.

વર્ષ ૧૯૯૧માં ૩૮ દર્દીઓ સાથે શરૂ થયેલી રાજકોટ હિમોફીલિયા સોસાયટીમાં આજે ૭૧૮ દર્દીઓની સારવાર કરવામાં આવે છે. સારવાર માટે દર્દીઓના વજનના પ્રમાણમાં ઈન્જેકશનના ડોઝ આપવામાં આવે છે. આ ઈન્જેકશન અતિ ખર્ચાળ હોય છે. આ ઈન્જેકશન જેનેટિક એન્જિનિયર ટેકનોલોજીની મદદથી વિદેશથી આયાત કરવામાં આવે છે, આયાત દરમ્યાન આ દવાઓ જીવન જરૂરિયાત હોવાથી સરકાર ટેક્સ લગાવતી નથી. સરકારશ્રી દ્વારા સામાન્ય સંજોગોમાં પણ દર્દીને અપાતા ત્રીસથી ચાલીસ હજારની કિંમતના ઈન્જેકશન વિનામૂલ્યે આપવામાં આવે છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય પ્રોજક્ટ “સેવ વન લાઈફ” અન્વયે ૩૧ હિમોફિલિયાના દર્દીઓને દર મહીને ૨૦ ડોલર પ્રતિ દર્દી આપવામાં આવે છે.

વર્ષ ૨૦૧૧માં શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળ દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા હિમોફીલિયાના દર્દીઓ માટે આવશ્યક એવા ઇન્જેક્શન સરકારી મેડિકલ કોલેજમાં વિનામૂલ્યે આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગતવર્ષે સરકારશ્રીના રૂ. ૪૦ કરોડના બજેટ સાથે ગુજરાતભરની ૩૭ મેડીકલ કોલેજ, તાલુકા હોસ્પિટલમાં ફેક્ટર-૮ના ઇન્જેક્શન ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

રાજકોટની હિમોફીલિયા સોસાયટી દ્વારા સામાજિક, આર્થિક અને માનસિક તણાવ અનુભવતા દર્દીઓના મનોબળને મજબુત કરવા મનોચિકિત્સક ડોક્ટર્સ સેવારૂપ છે. ઉપરાંત, હિમોફીલીક દર્દીઓના પરિવાર દ્વારા હસ્તકલા, ગૃહ ઉપયોગી કે અન્ય રચનાત્મક વસ્તુઓની બનાવટોને સંસ્થા દ્વારા ખરીદી કરી પરિવારોને વેચાણમાં મદદરૂપ બની હેમોફીલીક દર્દીના પરિવારોને આર્થિક ઉન્મૂલન તરફ વાળવામાં સંસ્થા સહાયક બને છે.

રાજકોટ સ્થિત અશોક ગોંધિયા મેમોરિયલ ટ્રસ્ટે હિમોફીલિયા સોસાયટીને આર્થિક સહાય તેમજ સંસ્થાની કામગીરી માટે પોતાનું બિલ્ડીંગ ફાળવવામાં આવ્યું છે. રાજકોટ ખાતેની હિમોફિલિયા સોસાયટીના એડવાઇઝર શ્રી કિરણ અવાસિયાએ જાણાવ્યું હતું કે, હું રાજકોટની બ્લડ બેંકના ડીરેક્ટર તરીકે ફરજ દરમ્યાન હિમોફીલિયાના દર્દીઓની તકલીફ પિછાણી અને આ સંસ્થામાં કાર્ય કરવાની પ્રેરણા મળી હતી. આ સંસ્થાના સેક્રેટરી શ્રી સોનલબેન સાપરીયા અને પ્રમુખ શ્રી હેમરાજભાઈ કાસુન્દ્રા છે.

Back to top button
error: Content is protected !!