RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત” જાણો.. ઉનાળામાં વજન ઘટાડવા માટે અસરકારક ઉપાયો

તા.૬/૫/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન : માર્ગી મહેતા

Rajkot: ઉનાળાની આકરી ગરમી અને વધતો તાપ આપણા સ્વાસ્થ્ય માટે અનેક પડકારો લાવે છે પરંતુ વજન ઘટાડવા માંગતા લોકો માટે ઉનાળાની ઋતુ આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે. ઉનાળામાં સૂર્યના તાપને કારણે કુદરતી રીતે જ આપણી પાચનશક્તિમાં ફેરફાર થાય છે અને જઠરાગ્નિ થોડો મંદ પડતા આપણને ભારે આહાર લેવાની ઈચ્છા ઓછી થાય છે. આ સમયગાળા દરમિયાન શરીરને ઠંડક આપવા માટે આપણે વધુ પ્રવાહી પદાર્થોનું સેવન કરીએ છીએ, જે શરીરને ડિટોક્સ કરવા અને વધારાની કેલરી બાળવામાં મદદરૂપ નીવડે છે. યોગ્ય આહાર, શારીરિક સક્રિયતા અને ઋતુ અનુસારની જીવન શૈલીનો સમન્વય સાધીને વધારાની ચરબી ઓગાળી શકાય છે.

 

૧. સૌથી મહત્વપૂર્ણ – હાઇડ્રેશન

ગરમીમાં પરસેવાના લીધે શરીરમાંથી પાણી ઓછું થઈ જાય છે. આથી, દિવસમાં ઓછામાં ઓછું ૦૩થી ૦૪ લિટર પાણી પીવું જોઈએ. પાણી પીવાથી મેટાબોલિઝમ સુધરે છે અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.

 

૨. સીઝનલ ફળોનો આગ્રહ

ઉનાળામાં પાણીથી ભરપૂર ફળો જેવા કે તરબૂચ, ટેટી, દ્રાક્ષ અને સંતરા પુષ્કળ પ્રમાણમાં મળે છે. આ ફળોમાં કેલરી ઓછી અને ફાઈબર વધુ હોય છે, જે પેટને લાંબો સમય સુધી ભરેલું રાખે છે. તે મીઠાઈ ખાવાની ઈચ્છાને પણ નિયંત્રિત કરે છે.

 

૩. હળવો અને તાજો આહાર

ઉનાળામાં ભારે અને તળેલા આહારને બદલે બાફેલું કે શેકેલું ભોજન લેવું જોઈએ. બપોરના ભોજનમાં દહીં, છાશ કે રાયતાનો સમાવેશ ચોક્કસ કરવો જોઈએ. દહીં પ્રોબાયોટિક હોવાથી પાચન તંત્રને મજબૂત બનાવે છે અને ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે.

 

૪. ખાંડયુક્ત પીણાંથી દૂર રહો

બજારમાં મળતા કોલ્ડ ડ્રિંક્સ, પેકેજ્ડ જ્યુસ કે એનર્જી ડ્રિંક્સમાં ખાંડનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જે ઝડપથી વજન વધારે છે. તેના બદલે લીંબુ પાણી, નાળિયેર પાણી, વરિયાળીનું શરબત કે ફુદીનાનું પાણી પીવું જોઈએ. આ પીણાં કુદરતી રીતે શરીરને ઠંડક આપે છે.

વજન ઘટાડવું એ ધીરજ માંગતી પ્રક્રિયા છે. ઉનાળાની ઋતુમાં ખાવાની આદતો પર નિયંત્રણ રાખી અને સક્રિય રહીને ફિટનેસ લક્ષ્ય સુધી પહોંચી શકાય છે. જો કે કોઈપણ નવો ડાયટ પ્લાન કે ભારે કસરત શરૂ કરતાં પૂર્વે નિષ્ણાત ડોક્ટર કે ડાયેટિશિયનની સલાહ લેવી આવશ્યક છે. જેથી, શરીરની જરૂરિયાત મુજબ પરિણામ મેળવી શકાય.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા સ્વસ્થ સમાજના નિર્માણ માટે ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં જનજાગૃતિ લાવીને જીવનશૈલીમાં સુધારો કરવાનો છે. આ અભિયાન થકી લોકોને યોગ, મિલેટ્સનો ઉપયોગ અને પૌષ્ટિક આહાર અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. ત્યારે આપણે આ અભિયાનમાં સહભાગી થઈએ અને જંક ફૂડ છોડી સ્વાસ્થ્યપ્રદ વિકલ્પો અપનાવીએ, તે જરૂરી છે.

Back to top button
error: Content is protected !!