ધોરાજી : આગામી મોહરમના તહેવારને ધ્યાનમાં રાખીને અને તાજેતરના વરસાદથી ધોરાજીના રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે સર્જાતી હાલાકી દૂર કરવા માટે સમસ્ત સન્ની મુસ્લિમ જમાત અને મુલસિમ અગ્રણીઓ દ્વારા ધોરાજીના એસડીએમ (SDM) ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે ભારે વરસાદને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગો પર મોટા ખાડા પડી ગયા છે. આ ખાડાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે, અને અકસ્માતનો ભય પણ વધી ગયો છે. ખાસ કરીને મોહરમના તહેવાર દરમિયાન લોકોની અવરજવર વધતી હોય છે, ત્યારે આવા બિસ્માર રસ્તાઓ ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે.
આવેદનપત્રમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓને તાત્કાલિક ધોરણે પ્લાઈશ (કાંકરી કે કપચી) નાખીને રિપેર કરવાની માંગ કરવામાં આવી છે. જેથી મોહરમના પવિત્ર દિવસોમાં શ્રદ્ધાળુઓ અને સામાન્ય જનતાને અવરજવરમાં કોઈ અગવડ ન પડે અને સંભવિત અકસ્માતોને ટાળી શકાય. સમસ્ત સન્ની મુસ્લિમ જમાતે આશા વ્યક્ત કરી છે કે તંત્ર તેમની રજૂઆતને ગંભીરતાથી લઈ ઝડપથી કાર્યવાહી કરશે અને રસ્તાઓની મરામત કરાવી લોકોને હાલાકીમાંથી મુક્ત કરશે.
વરદાન રીપોર્ટ જયંત વિંઝુડા ધોરાજી