દિયોદરમાં ૬.૭૩ ઇંચ વરસાદના પગલે લક્ષ્મીપુરામાંથી ૭૦ લોકોનું રેસ્ક્યૂ:
*વાવ-થરાદ જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે વહીવટી તંત્ર સજ્જ: દિયોદરમાં ૬.૭૩ ઇંચ વરસાદ નોંધાયો*
*દિયોદરમાં ૬.૭૩ ઇંચ વરસાદના પગલે લક્ષ્મીપુરામાંથી ૭૦ લોકોનું રેસ્ક્યૂ:

પ્રતિનિધિ દિયોદર અહેવાલ કલ્પેશ બારોટ
ભારે વરસાદની આગાહીના પગલે નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા વાવ-થરાદ જિલ્લા તંત્રની નાગરિકોને અપીલ
ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીને પગલે વાવ-થરાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્રી મયુર મહેતાના નેતૃત્વ હેઠળ ચોમાસા દરમિયાન સર્જાઈ શકે તેવી કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા સમગ્ર વહીવટી તંત્ર સતત સતર્ક અને સંપૂર્ણ સજ્જ છે.
આજે તારીખ ૨૪ જુલાઈના રોજ વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકામાં સવારે ૬:૦૦ વાગ્યાથી બપોરે ૨:૦૦ વાગ્યા સુધીમાં ૬.૭૩ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે દિયોદર ગામના લક્ષ્મીપુરા વિસ્તારમાં પાણી ભરાતાં વહીવટી તંત્ર દ્વારા ત્વરિત કામગીરી કરીને આશરે ૭૦ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ સ્થળાંતરિત કરાયેલા નાગરિકો માટે તંત્ર દ્વારા ભોજન, પીવાના શુદ્ધ પાણી તેમજ આરોગ્યલક્ષી સેવાઓની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
જિલ્લામાં વરસાદ કે વાવાઝોડાને કારણે કોઈ નુકસાન, જાનમાલનું જોખમ કે તાત્કાલિક સહાયની જરૂરિયાત ઊભી થાય તો નાગરિકો માટે ઇમરજન્સી હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી છે. નાગરિકો જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC) ના ટેલિફોન નંબર ૦૨૭૩૭-૨૨૩૩૭૪ અથવા જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના ટોલ-ફ્રી નંબર ૧૦૭૭ પર ત્વરિત સંપર્ક કરી શકે છે.
વધુમાં, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી પ્રવાસ ટાળવો, નદી-નાળાં કે નીચાણવાળા વિસ્તારોમાં જવાનું સાહસ ન કરવું, સુરક્ષિત સ્થળોએ રહેવું તથા હવામાન વિભાગ અને વહીવટી તંત્રની સત્તાવાર સૂચનાઓનું જ પાલન કરવું.




