ભરૂચ એસટી ડેપોમાં રોડ સેફ્ટી મંથની ઉજવણી: કર્મચારીઓની આંખ, બ્લડ પ્રેશર સહિત વિવિધ તબીબી તપાસ કરાઈ


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ એસટી ડેપો ખાતે રોડ સેફ્ટી મંથની ઉજવણીના ભાગરૂપે કર્મચારીઓના સ્વાસ્થ્યની જાળવણી માટે વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં કર્મચારીઓએ ભાગ લીધો હતો.
કેમ્પમાં ડ્રાઈવર્સ, કંડક્ટર્સ, મેકેનિકલ સ્ટાફ અને ડિવિઝન ઓફિસના તમામ કર્મચારીઓની આંખની તપાસ, બ્લડ પ્રેશર અને અન્ય પ્રાથમિક તબીબી તપાસ કરવામાં આવી હતી. રોડ સેફ્ટીને ધ્યાનમાં રાખીને ખાસ કરીને ડ્રાઈવર્સની દૃષ્ટિ અને સામાન્ય સ્વાસ્થ્યની તપાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા કર્મચારીઓને તેમના સ્વાસ્થ્યની જાળવણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જરૂરી સલાહ-સૂચનો કરવામાં આવ્યા હતા. ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું કે કર્મચારીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તેઓ વધુ સારી રીતે પોતાની ફરજ બજાવી શકે તે માટે આવા કેમ્પનું આયોજન નિયમિત સમયાંતરે કરવામાં આવશે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓના સ્વાસ્થ્યની જાળવણી અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો.




