સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હિંમતનગરના માથાસુલીયા નજીક માર્ગ અકસ્માત અંગેની યોજાઈ મોકડ્રીલ

સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હિંમતનગરના માથાસુલીયા નજીક માર્ગ અકસ્માત અંગેની યોજાઈ મોકડ્રીલ
*
આપાતકાલીન પરિસ્થિતિમાં વિવિધ વિભાગોના સંકલન અને ક્ષમતાની ચકાસણી અર્થે આયોજન: ૧૦૮, પોલીસ, ફાયર અને આરટીઓ ટીમનો સરાહનીય પ્રતિસાદ
*
જિલ્લા વહીવટી તંત્ર, સાબરકાંઠા દ્વારા આપાતકાલીન સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરીની સજ્જતા તથા વિવિધ વિભાગો વચ્ચેના પરસ્પર સંકલનને ચકાસવાના હેતુથી હિંમતનગર તાલુકાના માથાસુલીયા ગામ પાસે શામળાજી-હિંમતનગર હાઈવે પર એક માર્ગ અકસ્માત સંદર્ભે મોકડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ મોકડ્રીલ દરમિયાન મામલતદારશ્રી રોનકભાઈ પઢારીયાએ જણાવ્યું હતું કે, “આકસ્મિક ઘટનાઓ વખતે ગોલ્ડન અવરમાં ઝડપી પ્રતિસાદ આપીને લોકોના કિંમતી જીવ બચાવવા એ જ વહીવટી તંત્રની પ્રાથમિકતા હોય છે. આવી મોકડ્રીલના માધ્યમથી સંબંધિત તમામ વિભાગોનો રિસ્પોન્સ ટાઈમ અને તેમની આપાતકાલીન સજ્જતા ચોકસાઈપૂર્વક માપી શકાય છે, જેથી વાસ્તવિક આપત્તિ સમયે કોઈ ક્ષતિ ન રહી જાય.”
મોકડ્રીલ અંતર્ગત હાઈવે પર બે કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હોવાની સ્થિતિ નિર્માણ કરવામાં આવી હતી. જેમાં એક કારમાં ડ્રાઇવર તથા અન્ય કારમાં ડ્રાઇવર અને ત્રણ મુસાફરો ફસાયેલા હોવાનો કોલ સવારે ૧૧:૨૩ કલાકે કંટ્રોલ રૂમને મળ્યો હતો. ઘટનાની ગંભીરતા સમજીને વિવિધ વિભાગો તુરંત હરકતમાં આવ્યા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે તાત્કાલિક પહોંચી એક કારમાંથી ડ્રાઇવરને બહાર કાઢી પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે બીજી કારમાં ફસાયેલા અન્ય નાગરિકોને હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમે વિશેષ રેસ્ક્યુ સાધનો વડે સફળતાપૂર્વક બહાર કાઢી ૧૦૮ ની ટીમને સુપ્રત કર્યા હતા.
સવારે ૧૧:૨૩ કલાકે મળેલી માહિતી બાદ તમામ વિભાગોના ઉત્કૃષ્ટ સંકલનથી સવારે ૧૧:૫૬ કલાકે – એટલે કે માત્ર ૩૩ મિનિટના ટૂંક સમયમાં સમગ્ર રેસ્ક્યુ અને રાહત કામગીરી આટોપી લેવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન પોલીસ (૧૧૨), આર.ટી.ઓ., ૧૦૮ એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગ તરફથી અત્યંત ઝડપી અને સરાહનીય પ્રતિસાદ સાંપડ્યો હતો.
આ મોકડ્રીલ દરમિયાન મામલતદારશ્રી (ડિઝાસ્ટર), આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટરશ્રી, ગાંભોઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, હિંમતનગર ફાયર ફાયટર ટીમ તથા સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા



