GUJARATPANCHMAHALSHEHERA

પંચમહાલ અને દાહોદના જંગલોમાં કેસરીયો નજારો જોવા મળ્યો હોળી પહેલાં કેસૂડો સોળે કળાએ ખીલી ઉઠ્યો

 

પંચમહાલ ગોધરા

રાગીનીબેન દરજી શહેરા

ફાગણની ફૂંક વાગી નથી કે પંચમહાલ અને દાહોદના ડુંગરાઓએ જાણે કેસરી જામો ઓઢી લીધો છે! શિયાળાની ગુલાબી ઠંડી હજુ તો વિદાય લેવાની તૈયારીમાં છે ત્યાં જ વનરાયના રાજા ગણાતા કેસૂડાએ સોળે કળાએ ખીલીને હોળી-ધૂળેટીના આગમનની છડી પોકારી દીધી છે. લોકજીભે રમતી પેલી પંક્તિ “કેસૂડાની કળીએ બેસી ફાગણિયો લહેરાયો” અત્યારે આ પંથકના જંગલોમાં સાક્ષાત્ જોવા મળી રહી છે.

 

 

આ પંથકના આદિવાસી સમાજમાં કેસૂડા સાથે અનેક રોચક વાતો જોડાયેલી છે. લોકવાયકા તો એવી પણ છે કે ગરુડના પીંછામાંથી આ પવિત્ર વૃક્ષ ઉતરી આવ્યું છે! વળી, તેના એકસાથે રહેલા ત્રણ પાનને લોકો શ્રદ્ધાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માને છે. ભલે આ વાતો વર્ષો જૂની માન્યતા હોય, પણ તેનું વિજ્ઞાન તો આજે પણ સોના જેવું ચોખ્ખું છે. આયુર્વેદના જાણકારો કહે છે કે, કેસૂડો માત્ર રંગ રમવા માટે નથી પણ ચામડીના રોગો માટે રામબાણ ઈલાજ છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં કેસૂડાના પાણીથી સ્નાન કરવાથી અળાઈઓ અને લૂ જેવી સમસ્યાઓ છૂ મંતર થઈ જાય છે.

 

આજના હાઈટેક યુગમાં લોકો મોંઘા અને હાનિકારક કેમિકલયુક્ત રંગો પાછળ આંધળી દોટ મૂકે છે જે ત્વચાને નુકસાન પહોંચાડે છે. તેની સામે કેસૂડાનો આ કેસરીયો રંગ એકદમ શુદ્ધ અને દેશી છે. આ વિસ્તારના પ્રકૃતિપ્રેમીઓનો સૂર છે કે, જો લોકો ફરીથી કેસૂડાના રંગ તરફ વળે તો સ્વાસ્થ્ય પણ જળવાય અને જંગલના ફૂલો વીણીને ગુજરાન ચલાવતા ગરીબ પરિવારોને પણ બે પાંદડે થવાની તક મળે.અત્યારે પંચમહાલ અને દાહોદના અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં નજર નાખો ત્યાં કેસરીયા ફૂલોનો મહેરામણ ઉમટ્યો હોય તેવું લાગે છે.આમ, આ વર્ષે પણ કુદરતે હોળીના પર્વને વધાવવા માટે વગડામાં કેસરીયા રંગની છોળો ઉડાડી દીધી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!