સાબરકાંઠા જિલ્લામાં બેંકિંગ ક્ષેત્રે શ્રેષ્ઠ સમગ્ર કામગીરી બદલ લીડ બેંક મેનેજર સંજય કુમાર ચૌધરીનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન

સાબરકાંઠા જિલ્લામાં બેંકિંગ ક્ષેત્રે શ્રેષ્ઠ સમગ્ર કામગીરી બદલ લીડ બેંક મેનેજર સંજય કુમાર ચૌધરીનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન
***
નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ત્રિમાસિકમાં વાર્ષિક ઋણ યોજના, સરકારી પ્રાયોજિત યોજનાઓ અને સામાજિક સુરક્ષા યોજનાઓમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સાબરકાંઠા જિલ્લાને ગ્રુપ-Bમાં શ્રેષ્ઠ સમગ્ર પ્રદર્શન કરનાર જિલ્લો જાહેર કરાયો
***
સાબરકાંઠા જિલ્લામાં બેંકિંગ ક્ષેત્રે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી અને નાણાકીય સમાવેશની યોજનાઓના અસરકારક અમલીકરણ તેમજ લક્ષ્યાંકોની સિદ્ધિ બદલ સાબરકાંઠા જિલ્લાને નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ત્રિમાસિકમાં ગ્રુપ-Bમાં “સર્વશ્રેષ્ઠ સમગ્ર પ્રદર્શન કરનાર જિલ્લો” તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ સાબરકાંઠા જિલ્લાના અગ્રણી જિલ્લા પ્રબંધક શ્રી સંજય કુમાર ચૌધરીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજ્ય સ્તરે બેંકિંગ ક્ષેત્રની કામગીરીનું મૂલ્યાંકન કરીને આપવામાં આવતું આ સન્માન સાબરકાંઠા જિલ્લામાં બેંકો દ્વારા વિવિધ સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ, ધિરાણ વિતરણ, સામાજિક સુરક્ષા યોજનાઓની પહોંચ તથા નાણાકીય સમાવેશના ક્ષેત્રે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરીની મહત્વપૂર્ણ નોંધ છે.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર એનાયત થવું એ માત્ર અગ્રણી જિલ્લા પ્રબંધકશ્રીનું વ્યક્તિગત સન્માન નહીં પરંતુ સાબરકાંઠા જિલ્લાના સમગ્ર બેંકિંગ ક્ષેત્ર, બેંક ઓફ બરોડા તેમજ વિવિધ સરકારી વિભાગો વચ્ચેના અસરકારક સંકલનની ગૌરવપૂર્ણ ઉપલબ્ધિ છે.
સાબરકાંઠા જિલ્લામાં બેંકો દ્વારા પ્રાયોરિટી ક્ષેત્રમાં ધિરાણ, ખેડૂતોને પાક ધિરાણ, સ્વસહાય જૂથોને લોન, નાના વેપારીઓ અને સ્વરોજગાર સાથે સંકળાયેલા લાભાર્થીઓને ધિરાણ સહિત વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. લીડ બેંક તરીકે બેંક ઓફ બરોડા દ્વારા જિલ્લામાં કાર્યરત વિવિધ બેંકો અને સંબંધિત સરકારી વિભાગો સાથે સતત સંકલન સાધીને સરકારશ્રીના નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી છે.
પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ જિલ્લામાં શિશુ, કિશોર અને તરુણ કેટેગરીમાં કુલ ૭૫,૮૬૬ ખાતાઓમાં ₹૬૫૧.૫૨ કરોડનું ધિરાણ પૂરું પાડવામાં આવ્યું છે. નાના વેપારીઓ, સ્વરોજગાર સાથે જોડાયેલા વ્યક્તિઓ તથા નાના ઉદ્યોગકારોને આર્થિક પ્રવૃત્તિઓ માટે નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવામાં બેંકિંગ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે.
શેરી ફેરિયાઓને ધિરાણ સહાય પૂરી પાડતી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ જિલ્લામાં ૧,૦૭૮ લાભાર્થીઓને ધિરાણ મંજૂર કરવામાં આવ્યું છે અને ૯૧ ટકા લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ ૮૧ ટકા અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ ૭૩ ટકા સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ જિલ્લામાં ૬.૮૫ લાખથી વધુ ખાતાઓ ખોલવામાં આવ્યા છે અને ૯૪.૧૩ ટકા આધાર સીડીંગ પૂર્ણ કરવામાં આવ્યું છે.
પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરોને તાલીમ, ટૂલકિટ અને ધિરાણ સહાય ઉપલબ્ધ કરાવતી PM વિશ્વકર્મા યોજના હેઠળ લાભાર્થીઓની ચકાસણી તથા ધિરાણ પ્રક્રિયાને ઝડપી બનાવવા બેંક શાખાઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ૧૮ પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા કારીગરોને યોજનાનો મહત્તમ લાભ મળે તે માટે બેંકિંગ તંત્ર અને સરકારી વિભાગો વચ્ચે અસરકારક સંકલન કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત વાજપાઇ બેંકેબલ યોજના, દંતોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના, મહિલા આર્થિક વિકાસ તથા પછાત વર્ગ નિગમની વિવિધ યોજનાઓ હેઠળ પણ લાભાર્થીઓને ધિરાણ સહાય ઉપલબ્ધ કરાવવામાં બેંકો દ્વારા કામગીરી કરવામાં આવી છે. ખેતીવાડી અને પાક ધિરાણ ક્ષેત્રે ખેડૂતોને સમયસર ધિરાણ મળી રહે તે માટે પણ સતત કામગીરી હાથ ધરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લામાં જરૂરિયાતમંદ અને ગ્રામીણ લાભાર્થીઓ સુધી સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ પહોંચાડવા માટે બેંકો અને સરકારી વિભાગો વચ્ચે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો, નાના વેપારીઓ, કારીગરો, શેરી ફેરિયાઓ, મહિલા સ્વસહાય જૂથો તથા સ્વરોજગાર સાથે સંકળાયેલા લાભાર્થીઓને ધિરાણ અને નાણાકીય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં બેંકિંગ ક્ષેત્રે મહત્વપૂર્ણ કામગીરી કરી છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ત્રિમાસિકમાં વાર્ષિક ઋણ યોજના, સરકારી પ્રાયોજિત યોજનાઓ, સામાજિક સુરક્ષા યોજનાઓ તથા ડેટા પ્રસ્તુતીકરણમાં ઉત્કૃષ્ટ કામગીરીના પરિણામે સાબરકાંઠા જિલ્લાને ગ્રુપ-Bમાં સર્વશ્રેષ્ઠ સમગ્ર પ્રદર્શન કરનાર જિલ્લો તરીકે મળેલું સ્થાન જિલ્લાની બેંકિંગ વ્યવસ્થાની કાર્યક્ષમતા અને સંકલિત કામગીરીની મોટી ઉપલબ્ધિ છે.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ અગ્રણી જિલ્લા પ્રબંધક શ્રી સંજય કુમાર ચૌધરીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રમાણપત્ર એનાયત થવું સાબરકાંઠા જિલ્લાના બેંકિંગ ક્ષેત્ર માટે વિશેષ ગૌરવની બાબત છે. રાજ્ય સ્તરે મળેલી આ માન્યતા આગામી સમયમાં પણ સરકારશ્રીની વિવિધ નાણાકીય અને કલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચાડવા માટે બેંકિંગ તંત્રને પ્રોત્સાહન પૂરું પાડશે.
આ સન્માન સમારોહમાં રાજ્યના મુખ્ય સચિવશ્રી મનોજ કુમાર દાસ, નાણાં વિભાગના સચિવશ્રી સંજીવ કુમાર, અધિક મુખ્ય સચિવશ્રી ટી. નટરાજન, બેંક ઓફ બરોડાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી દેવદત્ત ચંદ, ભારતીય રિઝર્વ બેંકના નિયામકશ્રી, બેંક ઓફ બરોડાના જનરલ મેનેજરશ્રી સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા




