વલસાડ જિલ્લાના ફલધરા ખાતે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ -૨૦૨૫ અંતર્ગત વલસાડ તાલુકાના ફલધરા ખાતે ફલધરા બુનિયાદી પ્રાથમિક શાળા અને સાર્વજનિક હાઈસ્કુલ (જૂની)માં વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. ફલધરા બુનિયાદી પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં ૫, બાલવાટિકામાં ૧૨, પહેલા ધોરણમાં ૩, છઠ્ઠા ધોરણમાં ૨૪ તેમજ માધ્યમિક શાળામાં નવમાં ધોરણમાં ૪૮ મળી કુલ ૯૨ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ ઊજવાયો હતો.
પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં ૨ કુમાર અને ૩ કન્યા, બાલવાટિકામાં ૭ કુમાર અને ૫ કન્યા, પહેલા ધોરણમાં ૧ કુમાર અને ૨ કન્યા, ધોરણ ૬ માં ૧૪ કુમાર અને ૧૦ કન્યા તેમજ માધ્યમિક શાળામાં ધોરણ ૯ માં ૨૭ કુમાર અને ૨૧ કન્યા મળી કુલ ૯૨ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈએ કહ્યું હતું કે કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરાવી હતી. સારા ભવિષ્ય માટે ભણતર ખુબ જ જરૂરી છે. હવેના વાલીઓ પણ શિક્ષણ બાબતે સજાગ થયા છે, બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહન આપે છે. સરકારી શાળાના શિક્ષકો ખૂબ જ પ્રતિભાશાળી છે તેઓ પણ બાળકોના શિક્ષણ પ્રત્યે કાળજી રાખી રહ્યા છે. સરકારી શાળાઓ ખુબ આગળ વધી રહી છે અને તેમાં શિક્ષણ પણ ઘણું સારૂં છે. વાલીઓએ ખાનગી શાળાનો મોહ છોડી બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવવો જોઈએ.
કાર્યક્રમમાં શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક કરી સમિતિ સભ્યોના મંતવ્યો જાણ્યા હતા અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી સૂચનાઓ આપી હતી. શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ફલધરા ગામના સરપંચ જીજ્ઞાબેન ભૂપેન્દ્રભાઈ પટેલ, બીઆરસી હરેશભાઈ ટંડેલ, પ્રાથમિક શાળાના આચાર્ય ધર્મેશભાઈ પટેલ, માધ્યમિક શાળાના આચાર્ય જગદીશભાઇ પટેલ, શાળાના શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.