Gondal: સરકારી હોસ્પિટલ ગોંડલ ખાતે ૯૦ આશા વર્કરોનું કેન્સર માટે સ્ક્રિનિંગ કરાયું : ૧૮ શંકાસ્પદ કેસને વધુ તપાસ અર્થે રિફર કરાયા
તા.૨૩/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Gondal: રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોષી તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં બિનચેપી રોગના સ્ક્રીનીંગ અને સારવાર માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પ્રવર્તમાન સમયમાં કેન્સરના કેસમાં થઈ રહેલા વધારાને ધ્યાને લઈ સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલના સહયોગથી દરેક તાલુકાઓમાં કેન્સરની તપાસ માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જે અંતર્ગત તા. ૨૧ ફેબ્રુઆરીના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.આર.આર. ફુલમાલીની અધ્યક્ષતામાં સરકારી હોસ્પિટલ ગોંડલ ખાતે પ્રથમ કેમ્પ યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા ૩૦ વર્ષથી વધુ વયની કુલ ૯૦ આશા બહેનોની સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી કેન્સરના ૧૮ શંકાસ્પદ કેસ મળતા તેમાંના ૧૩ કેસને મેમોગ્રાફી તપાસ માટે જિલ્લા કક્ષાની હોસ્પિટલ ખાતે અને પાંચ ને ઓરલ ફોલોઅપ કેન્સરની તપાસ માટે રીફર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ બન્ને તપાસનો ખર્ચ પ્રાઇવેટ હોસ્પિટલમાં આશરે રૂ. ૫૦૦૦ થી ૬૦૦૦ થાય છે, જે આરોગ્ય વિભાગ દ્વારા વિનામુલ્યે કરવામાં આવેલ છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી યાદીમાં જણાવાયું છે.