Rajkot: પડધરીમાં સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનો ૧૦૬૬ વરિષ્ઠ નાગરિકોએ લાભ લીધો
તા.૧૮/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
કુલ ૪૪૧ લાભાર્થીઓને રૂ. ૪૫.૬૮ લાખના ૨૭૪૪ સાધનો અપાશે
વિવિધ સરકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ મેળવતાં વડીલો
Rajkot: રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ૬૦ વર્ષથી વધુ વયના સિનિયર સીટીઝનો માટે જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ ભારત સરકારની ‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’ અંતર્ગત તા. ૧૭ જૂન, ૨૦૨૫ના રોજ કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણીજય કોલેજ ખાતે એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ એલીમ્કોના સહયોગથી વડીલોને વોકીંગ સ્ટીક, કાંખઘોડી, ટ્રાઈપોડ, વોકર, હિયરીંગ એઈડ મશીન, ફોલ્ડીંગ વ્હીલ ચેર, આર્ટીફિશીયલ દાંત (ચોખઠા), સ્પાઈનલ સપોર્ટ, રોલેટર જેવા સાધનો વિનામૂલ્યે આપવાના હેતુસર યોજાયો હતો.
રાજકોટ ગ્રામ્ય નાયબ કલેકટર અને લાયઝન અધિકારીશ્રી વિમલકીતી ચક્રવર્તીની સૂચના મુજબ આયોજિત આ કેમ્પમાં આધાર કાર્ડ, ઈ-કે.વાય.સી., આવકના દાખલા, બી.પી.-ડાયાબીટીસ ચેકઅપ, કેન્સર સ્ક્રીનિંગ સ્ટોલ, પી.એમ.જે.વાય. કાર્ડ જેવી સરકારી સહાયનો સ્થળ પર જ લાભ અપાયો હતો. આ કેમ્પમાં વયોવૃદ્ધ લાભાર્થીઓની પાસે રહેલા તેમના આધાર પુરાવાની નકલ મેળવવા માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી ઝેરોક્ષ કરાવવાનો સ્ટોલ પણ રખાયો હતો.
આ કેમ્પમાં સાંજના ૦૫ કલાક સુધીમાં કુલ ૧૦૬૬ લાભાર્થીઓએ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. અલીમ્કો દ્વારા સાધન સહાય માટે એસેસમેન્ટ કરીને ૪૪૧ લાભાર્થીઓની પસંદગી કરાઈ હતી, જેઓને કુલ રૂ. ૪૫,૬૮,૦૬૭ના કુલ ૨૭૪૪ સાધનો અપાશે. ઉપરાંત, તાલુકા પંચાયત દ્વારા કુલ ૮૦ જેટલા આવકના દાખલા અપાયા હતાં. એસ.ટી. વિભાગ દ્વારા સીનીયર સીટીઝન સંબંધિત યોજનાઓ વિશે ૧૨ લાભાર્થીઓને સમજ અપાઈ હતી. આરોગ્ય વિભાગ દ્વારા ૧૫૩ લાભાર્થીઓના બ્લડપ્રેશર-ડાયાબીટીસ ટેસ્ટ કરાયા હતાં. ૪૨ વરિષ્ઠ નાગરિકોના રાશન કાર્ડની કામગીરી કરાઈ હતી. ૨૨૫ લોકોને ક્ષય, મેલેરીયા જેવા રોગની જાણકારી આપતી પત્રિકાઓ અપાઈ હતી. ૧૨ લોકોને પી.એમ.જે.એ.વાય કાર્ડ અપાયા હતાં. સહાય શાખા દ્વારા નિરાધાર વૃદ્ધ સહાય યોજનાના કુલ ૨૮ ફોર્મ સ્થળ પર ભરાયા હતાં. એસ.બી.આઈ.ના કર્મચારીઓ દ્વારા વિવિધ યોજનાઓ અંગે ૫૫ લાભાર્થીઓને અવગત કરાયા હતાં. તેમજ ૧૮ વડીલોના આધાર કાર્ડની કામગીરી કરાઈ હતી.
આ કેમ્પને સફળ બનાવવા માટે કુલ ૦૫ તબીબ તથા અંદાજિત ૬૫ જેટલા કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. આ તકે મામલતદારશ્રી કે. જી. સખીયા, પડઘરીની આગેવાનીમાં રેવન્યુ શાખા, આરોગ્ય શાખા, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, તાલુકા પંચાયત, લીડ બેંક મેનેજર, એસ.બી.આઈ. શાખા, બેંક ઓફ ઈન્ડીયા, ડેપો મેનેજર, જી.એસ.આર.ટી.સી.ના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.